'જિંદગી કી યહી રીત હે, હાર કે બાદ હી જીત હે' ગીત પર વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં વિદ્યાર્થીઓનો ડાન્સ, દર્દીઓ પણ દર્દ ભૂલીને ઝૂમી ઉઠ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-25 14:25:29
  • Views : 321
  • Modified Date : 2021-04-25 14:25:29

    કોરોના મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી મૂક્યો છે, ત્યારે હવે કોવિડ હોસ્પિટલોમાં મોટિવેશનલ ગીતો પર ડાન્સ કરીને તેમને મોટિવેટ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરની ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરતા સોશિયલ વર્ક ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ કોરોનાના દર્દીઓને મોટિવેટ કરવા માટે 'જિંદગી કી યહી રીત હે, હાર કે બાદ હી જીત હે... થોડા ગમ હે, તો થોડી હે ખુશી' ગીત પર ડાન્સ કર્યો હતો અને વિદ્યાર્થીઓએ ડાન્સ કરીને કોરોનાના દર્દીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

    વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીના 15 જેટલા વિદ્યાર્થીઓ હાલ ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ હાલ કોરોનાના દર્દીઓ અને તેમના સગાઓનું કાઉન્સેલિંગ કરી રહ્યા છે. આ દરમિયાન આજે આ વિદ્યાર્થીઓએ પીપીઇ કીટ પહેરીને કોરોના વોર્ડમાં ડાન્સ કર્યો હતો અને કોરોનાના દર્દીઓનો સ્ટ્રેટ દૂર કરીને તેમને મોટિવેટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે દર્દીઓના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું હતું. આ પહેલા વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટી સ્થિત પારુલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે જાય તે માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગીતો સાથે ડાન્સ કરીને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું. હોસ્પિટલના સ્ટાફની સાથો સાથ દર્દીઓ ઝૂમી ઉઠ્યા હતા અને કેટલાક દર્દીઓએ તાળીઓ વગાડીને સાથ આપીને કોરોનાને ભૂલવાનો પ્રયાસ કર્યો હતો.

    કોરોનાની બીજી લહેરમાં મૃત્યુઆંક ખુબ જ વધી ગયો છે. વડોદરા શહેરમાં પ્રતિદિન 50થી વધુ લોકોના મૃત્યું થઇ રહ્યા છે. જેમાં કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલોમા સારવાર દરમિયાન કોરોનાના ડરથી મોતને ભેટી રહ્યા છે. તો વળી કેટલાક લોકો હોસ્પિટલોમાં સારવાર દરમિયાન મૃત્યુ પામતા દર્દીઓની લાશો જોઈને ગભરાઈને મોતને ભેટી રહ્યા છે. આવા વાતાવરણમાં દર્દીઓ ગભરાય નહીં અને તેઓમાં આત્મવિશ્વાસ વધે તે માટે હોસ્પિટલોમાં દર્દીઓમાં વીલ પાવર વધે અને સાજા થઇ જાય તે માટે મ્યુઝિક થેરાપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે, વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓનો વીલ પાવર વધે અને ચિંતામુક્ત થાય તે માટે વિવિધ હોસ્પિટલોનો સ્ટાફ પણ મ્યુઝિક થેરાપી સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે અને મ્યુઝિક થેરાપીનો વીડિયોને દર્દીઓ પણ આવકારી રહ્યા છે.


Download Our B K News Today App



Related News