સુરતના સચિન GIDCમાં દિવાલ ધરાશાયી થતા 4 શ્રમિક દટાયા, એકનું મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-11 15:55:23
  • Views : 106
  • Modified Date : 2023-07-11 15:55:23

  સુરતના સચિન GIDC વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થઇ છે. આ દિવાલ નીચે 4 શ્રમિક દટાઇ ગયા હતા. જે પૈકી એક શ્રમિકનું મોત થયુ છે. સચિન GIDC રોડ નંબર 2ની બાજુમાં બાંધકામ ચાલી રહ્યુ હતુ તે સમયે આ દુર્ઘટના બની હતી. ક્રેઇનની મદદથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ એક શ્રમિકનું મોત થયુ હતુ.હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ઘણા દિવસથી વરસાદી માહોલ છે. ત્યારે સુરતમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. જો કે વરસાદની અસર કન્સ્ટ્રકશન સાઇટ પર જોવા મળતી હોય છે. જેના કારણે દુર્ઘટના બનવાની શક્યતાઓ રહેતી હોય છે. ત્યારે સુરતમાં પણ એક કન્સ્ટ્રકશન સાઇટ પર એક આવી જ ઘટના બની છે.સુરતના સચિન GIDC રોડ નંબર 2ની બાજુમાં એક સાઇટ પર બાંધકામ ચાલી રહ્યુ હતુ. જેમાં ઘણા બધા શ્રમિકો કામ કરી રહ્યા છે. જો કે આજે સવારે અચાનક જ બાંધકામ કરેલી એક દિવાલ ધરાશાયી થઇ હતી. જેના નીચે ચાર શ્રમિકો દટાઇ ગયા હતા. ઘટના બનતા બાંધકામના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને કાઢવા માટે તાત્કાલિક એક ક્રેઇનની મદદ લેવામાં આવી હતી અને બીજી બાજુ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.જો કે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા જ કાટમાળ નીચે દટાયેલા એક શ્રમિકનું મોત થયુ હતુ. જ્યારે અન્ય ત્રણ શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ત્રણેય ઇજાગ્રસ્ત શ્રમિકોને 108ની મદદથી તાત્કાલિક સ્થળ પર પહોંચાડવામાં આવ્યા છે. આ ત્રણેય શ્રમિક હાલ સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News