અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં દિવાળી પર હતી એવી વેઇટિંગની સ્થિતિ સર્જાઈ, દર્દીઓને દાખલ થવામાં ભારે હાલાકી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-05 11:52:08
  • Views : 264
  • Modified Date : 2021-04-05 11:52:08

    અમદાવાદમાં કોરોના બેકાબૂ બની ગયો છે. કેસમાં વધારો થતાં લોકોમાં કઈ હોસ્પિટલમાં દાખલ થવું એ સવાલ મૂંઝવી રહ્યો છે. શહેરમાં ખાનગી હોસ્પિટલોની સંખ્યા અને બેડ વધારવા છતાં હાલ 75 ટકા બેડ ભરાયેલાં છે. ખાનગી હોસ્પિટલોમાં પણ હાલમાં દિવાળી સમયે જે સ્થિતિ હતી એવી સ્થિતિનું સર્જન થયું છે. બીજી તરફ ઘેરબેઠાં સારવાર લઈ રહેલાઓમાંથી કેટલાક તબિયત ચોથા કે પાંચમા દિવસે બગડતાં તેમને ઈમર્જન્સી હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડે છે, ત્યારે તેમનાં કુટુંબિજનો કઈ હોસ્પિટલમાં જગ્યા હશે અને એના ચાર્જીસ કેટલા હશે, ડિપોઝિટ કેટલી ભરવી પડશે એની ચિંતામાં મુકાઈ જાય છે. મ્યુનિ. તંત્ર પાસે આ અંગે માર્ગદર્શન આપવા સેન્ટ્રલ ડેસ્ક કે એવી કોઈ જ વ્યવસ્થા નથી.

    રેપિડ ટેસ્ટમાં પોઝિટિવ આવનારાઓને લેખિત રિપોર્ટ અપાતો ન હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ થવામાં હાલાકી ભોગવવી પડે છે. જ્યારે 108વાળા હોસ્પિટલમાં પ્રવેશ નક્કી હોય એની ખાતરી અપાય તો જ દર્દીને બેસાડે છે. એમાં પણ બીજા રાજ્યનું આધારકાર્ડ હોય તો વધુ ચકાસણી કરે છે. છેલ્લા 24 કલાકમાં મ્યુનિ.એ 1869 એકટિવ કેસો હોવાનું જણાવ્યું છે, જ્યારે અમદાવાદ મેડિકલ એસો.ની વેબસાઇટ પર ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓનો આંકડો 2785 બતાવ્યો છે. તો શું આ દર્દીઓ અમદાવાદના નથી ? ખાનગી હોસ્પિટલના આંકડા અને મ્યુનિ.ના આંકડામાં આટલો મોટો તફાવત કેમ ? જો ખરેખર 1869 દર્દી જ હોય તો હોસ્પિટલોનાં બેડ ખાલી હોવાં જોઈએ, એવું કેમ નથી ? એનો જવાબ કોઈનીય પાસે નથી.

    શહેરમાં કોરોનાના કેસ રોજેરોજ નવો રેકોર્ડ રચી રહ્યા છે. રવિવારે નવા 664 કેસ નોંધાવાની સાથે સાથે 4 દર્દીનાં મૃત્યુ નીપજ્યાં છે. બીજી બાજુ, સિવિલ હોસ્પિટલમાં દાખલ 75 ટકા દર્દી ઓક્સિજન પર છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં 219 દર્દી વેન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું છે. 664 કેસ નોંધાવાની સામે 600 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ડેપ્યુટી મેયર ગીતા પટેલને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

    ખાનગી હોસ્પિટલોમાં પણ બેડની અછત સર્જાઈ છે ત્યારે હવે કોર્પોરેશન અને ખાનગી હોસ્પિટલો વચ્ચે સરકારી ખર્ચે બેડ રિઝર્વ રાખવા વાટાઘાટો શરૂ થઈ છે, પરંતુ ખાનગી હોસ્પિટલોએ તેમને કોર્પોરેશન પાસેથી અગાઉનાં લેણાં નીકળતાં આશરે 50 કરોડ રૂપિયા મળે નહીં ત્યાં સુધી બેડ રિઝર્વ નહીં આપવાની ચીમકી આપી છે. કોર્પોરેશનના એક અધિકારીએ ઘટસ્ફોટ કર્યો હતો કે ગયા વર્ષે મે માસ બાદ શહેરની 50 જેટલી ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે સરકારી ખર્ચે બેડ રિઝર્વ રાખ્યા હતા. સમયાંતરે હોસ્પિટલોને દર મહિને બિલ ચૂકવાઈ રહ્યાં હતાં, જોકે છેલ્લે આશરે 50 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ રકમ માટે ગયા મહિને ખાનગી હોસ્પિટલોનું એક પ્રતિનિધિમંડળ મ્યુનિ. કમિશનરને મળ્યું ત્યારે કમિશનરે વહેલી તકે બાકીના રૂપિયા ચૂકવી દેવા કહ્યું હતું.

    ગયા વર્ષે શહેરની ખાનગી હોસ્પિટલોમાં સરકારી ખર્ચે રિઝર્વ બેડની વ્યવસ્થા કરાઈ હતી, જેમાં મોટા ભાગે આ સરકારી બેડ મોટા અધિકારીઓનાં સગાં અને રાજકારણી તથા તેમનાં સગાં માટે ઉપયોગ થયો હતો. ખાનગી હોસ્પિટલના એક સંચાલકે કહ્યું હતું કે સરકારી ખર્ચે ખાનગી હોસ્પિટલમાં બેડ રિઝર્વ રાખવાનો ઉદ્દેશ સારો હતો, પણ પાછળથી એ સામાન્ય લોકો માટે નહીં, મોટા અધિકારીઓ-રાજકારણીઓ પૂરતો રહી ગયો હતો.


Download Our B K News Today App



Related News