ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું આજે મતદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-12-01 12:06:22
  • Views : 439
  • Modified Date : 2022-12-01 12:06:22


આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાશે

બી. કે. ન્યૂઝઃ અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું આવતીકાલે મતદાન યોજનારી છે. જેના માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પુરી થઇ ગઇ છે. આવતીકાલે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાઓની ૮૯ બેઠકો માટે સવારના ૮ વાગ્યાથી મતદાન શરૂ થઇ જશે. આ તબક્કામાં કુલ ૭૮૮ ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતમાં છેલ્લા ૨૭ વર્ષથી ભાજપ સત્તામાં છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, જેના કારણે મુકાબલો બે ધ્રુવીય બનવાને બદલે ત્રિકોણીય બની ગયો છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે સવારે ૮ વાગ્યાથી શરૂ થશે, જે સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે. આ તબક્કામાં કુલ ૧૪ હજાર ૩૮૨ પોલિંગ બૂથ પર મતદાન થશે. આ તબક્કામાં જે ૮૯ બેઠકો પર મતદાન થવાનું છે તેમાંથી ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૪૮ બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને ૪૦ બેઠકો મળી હતી. એક બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના ૫૦ ટકાથી વધુ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. પ્રથમ તબક્કામાં આવતીકાલે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાઓના અડધાથી વધારે એટલે કે ૧૩,૦૬૫ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.
આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ ઉપરાંત અન્ય ૩૬ નાના-મોટા રાજકીય પક્ષોએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. જેમાં બસપા, સપા,
સીપીઆઈ (માર્ક્‌સવાદી), બીટીપી અને એઆઈએમઆઈએમ જેવા પક્ષોનો સમાવેશ થાય છે. એનસીપી આ વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને લડી રહી છે. ભાજપ અને કોંગ્રેસ તમામ ૮૯ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે આપ ૮૮ બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
આમ આદમી પાર્ટીએ પણ તમામ ૮૯ સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા. તેના તમામ ઉમેદવારોએ ઉમેદવારી પણ નોંધાવી હતી, પરંતુ ઉમેદવારીના થોડા દિવસો બાદ સુરત-પૂર્વ વિધાનસભા બેઠક પરથી આપના ઉમેદવાર કંચન જરીવાલાએ પક્ષમાં જૂથવાદનો આક્ષેપ કરીને પોતાનું નામ
પાછું ખેંચી લીધું હતું. સુરતની તમામ ૧૬ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન છે, તેથી આ તબક્કામાં પાર્ટીના એક ઉમેદવારમાં ઘટાડો થયો છે. બસપાએ ૫૭, બીટીપી ૧૪ અને સીપીઆઇ(એમ)એ ચાર બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. આ તબક્કામાં ૩૩૯ જેટલા અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે. જાેકે, નાની-મોટી થઇને કુલ ૩૯ રાજકીય પક્ષોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
ચૂંટણી પંચે મતદાન માટેની તમામ કાર્યવાહીઓ પુરી કરી દીધી છે.
ઇવીએમ તથા વીવી
પીએટીઓની ચકાસણી પુરી થઇ ચૂકી છે અને મતદાન કેન્દ્રો ઉપર સુરક્ષિત પહોંચાડવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શાંતિપુર્ણ હાલતમાં પુર્ણ થાય તે માટેની તમામ કવાયત હાથ ધરી દીધી છે.
મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાય અને સમગ્ર પ્રક્રિયા સરળતાથી ચાલે તે હેતુથી કેન્દ્રીય અનામત દળો, પોલીસ સ્ટાફ અને માઈક્રો ઓબ્ઝર્વર્સ તહેનાત હોય છે.

Download Our B K News Today App



Related News