પાટણમાં આરોગ્ય કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોને લઇ વિશાળ રેલી યોજી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-10 11:45:17
  • Views : 389
  • Modified Date : 2019-12-10 11:45:17

પાટણ જિલ્લાના ૬૦૦ થી વધુ આરોગ્ય કર્મચારીઓ
પોતાની પડતર માંગણીઓ સરકાર દ્વારા પુરી કરવામાં ના આવતા સોમવારે એકસાથે માસ સીએલ ઉપર ઉતરી જઈ સરકારી કામકાજથી અળગા રહીને પાટણ શહેરમાં રેલી અને જાહેર સભા યોજી. આગામી ૧૭મી ડિસેમ્બરના રોજ ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશ્નરની કચેરીનો ઘેરાવ કરવાની રણનીતિ બનાવી હતી.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્યમાં વિવિધ કેડરમાં ફરજ બજાવી રહેલા સરકારી આરોગ્ય કર્મચારીઓની જુદી-જુદી ૧૩ જેટલી પડતર માંગણીઓ સરકાર દ્વારા પુરી કરવાનું આશ્વાસન આપ્યા બાદ તે માંગણીઓ પુરી કરવામાં ન આવતા સમગ્ર રાજ્યમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ફરી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની સૂચનાથી પાટણ જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા પોતાના પડતર પ્રશ્નોને લઇને પાટણ શહેરમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલથી બેનરો અને પ્લે કાર્ડ સાથે પોતાની
પડતર માંગણીઓ પુરી કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી. જેમાં જુદી જુદી, કેડરના ૬૦૦ થી વધુ કર્મચારીઓ જોડાયા હતા  આ રેલી શહેરના બગવાડા દરવાજા, રેલ્વે સ્ટેશન, કોલેજ રોડ થઈ સિંધવાઈ માતાજીના મંદિર ખાતે પહોંચી હતી. જ્યાં જાહેર સભા સંબોધવામાં આવી હતી. જેમાં કર્મચારીઓના
પડતર પ્રશ્નો સરકાર દ્વારા ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં મહાસંઘ દ્વારા મળનારી સૂચનાઓ મુજબ કાર્યક્રમો આપવાની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. તેમજ આગામી ૧૭મી ડિસેમ્બરના રોજ સમગ્ર રાજ્યમાંથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા આરોગ્ય કમિશ્નર કચેરી ગાંધીનગરનો ઘેરાવ કરવા અને કમિશ્નરને  રજૂઆત કરવાનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યા હોવાનું કર્મચારીઓને જણાવવામાં આવ્યું હતું. તેમજ આરોગ્ય કર્મચારીઓ સામુહિક માસ સીએલ ઉપર ઉતરી જઇ સરકારી કામકાજથી અળગા રહ્યા હતા. જેને લઇ જિલ્લામાં આરોગ્યની સેવાઓ ખોરવાઇ જવા પામી હતી અને દર્દીઓને હાલાકી પડી હતી .
કાર્યક્રમમાં પાટણ જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ દિનેશભાઈ પટેલ સહિત વિવિધ હોદેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News