એન.એસ.યુ.આઈ. સાથે આતંકવાદી સંગઠન જેવો વ્યવહાર કરે છે ઃ એન.એસ.યુ.આઈ. ગાંધીનગરમાં આઈ.આઈ.ટી.ઈ. ની પરીક્ષાઓ સામે એન.એસ.યુ.આઈ.નું વિરોધ પ્રદર્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-26 11:34:09
  • Views : 402
  • Modified Date : 2020-06-26 11:34:09

લોકડાઉન ખુલતા અને અનલોક-૧ દરમિયાન તમામ પરીક્ષાઓની તારીખ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. કોરોનાના પગલે વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી ફરી વાર મુલતવી રાખવાની માગ કરી રહ્યા છે. ગાંધીનગર શહેરમાં આવેલી ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. તેના વિરોધમાં ગુરૂવારે એન.એસ.યુ.આઈ. દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી અંતર્ગત જાહેર કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન તમામ કાર્યો બંધ રાખવામાં આવ્યા હતા. તેમજ શૈક્ષણિક કાર્ય પણ બંધ કરવાથી અને કોરોના સંક્રમણથી બચવા માટે તમામ યુનિવર્સિટીઓની
પરિક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરી વિદ્યાર્થી સંગઠને માગ કરી હતી કે, કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે, પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી સંક્રમિત થશે તો જવાબદારી કોની રહેશે.
શહેરમાં આવેલી ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા કોરોના કહેર વચ્ચે પણ પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે. સરકાર દ્વારા હજુ સુધી પરીક્ષાઓ લેવી કે નહીં તે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ આઈ.આઈ.ટી.ઈ. ના સત્તાધીશો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી પ્રિલિમ
પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે. રાજ્યના ૩૩ જિલ્લા અને ૪ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ આજે પણ પરીક્ષા આપી રહ્યા છે. જેને લઇને એન.એસ.યુ.આઈ. વિદ્યાર્થી સંગઠન કુલપતિને રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું, પરંતુ કેમ્પસની અંદર પ્રવેશ આપ્યો ન હતો, આથી એન.એસ.યુ.આઈ. એ બહાર દરવાજા પાસે ધરણાં ધર્યા હતા. ભાજપના નેતાઓ લોકડાઉન દરમિયાન પણ અંદર મહેફિલ જમાવીને બેસતા જોવા મળ્યા છે. ભાજપના નેતાઓના ઇશારે એન.એસ.યુ.આઈ. આતંકવાદી સંગઠન હોય તેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. આઈ.આઈ.ટી.ઈ. ના સત્તાધીશો ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે. અમે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા નહી યોજવા માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા. પરંતુ અમને સંસ્થામાં પ્રવેશ આપવામાં આવતો નથી તેવું એન.એસ.યુ.આઈ. ના નેતા નિખીલ સવાણીએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News