ડીસાના સવપુરા ગામનું નામ જહુનગર થતા ગ્રામજનો દ્વારા ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-31 17:35:54
  • Views : 127
  • Modified Date : 2025-05-31 17:35:54

ડીસા તાલુકાના રાણપુર વચલા વાસ જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા સવપુરા ગામ નું નામ જહુ નગર કરવામાં આવતા ગામના નવા નામ ને વધારવા ગ્રામજનોએ જહુ માતાજીની ભવ્ય શોભાયાત્રા સાથે જહુબાઈ ઝાપડી માતાના મંદિરે પૂજા અર્ચના અને મહા આરતી સાથે સમગ્ર ગ્રામજનોએ સામૂહિક ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગામનો જોડાયા હતા. 

ડીસા તાલુકાના રાણપુર વચલા વાસ ગામમાં શ્રી જહુ ઝાપડી વિહત રાજબાઈ માતાનું મોટું સ્થાનક આવેલું છે. જેમાં સમગ્ર ગ્રામજનો આ સ્થાનકની મોટી શ્રદ્ધા ધરાવે છે. ગામના તમામ પ્રસંગોમાં જહુબાઈ માતાજીના હંમેશા આશીર્વાદ રહે છે. ત્યારે રાણપુર વચલા વાસ જુથ ગ્રામ પંચાયત હેઠળ આવતા સવપુરા ગામનું નામ જહુ નગર કરવા આજથી પચીસેક વર્ષ અગાઉ ગ્રામજનોએ સરકારમાં રજૂઆત કરેલી હતી. 

જોકે ત્યારબાદ આ બાબતે કોઈ કાર્યવાહી થઈ ન હતી. પરંતુ છેલ્લા છ એક માસ અગાઉ ગ્રામજનો દ્વારા આ બાબતે ફરીથી સરકારમાં રજૂઆત કરતા તેમજ ગામનું નામ જહુનગર થાય તે માટે જહુબાઇ માતાજીને પણ પ્રાર્થના કરી હતી. 

જેમાં કોઈપણ સ્થળનું નામ બદલવું હોય અને સરકારી ગેજેટમાં સ્થાન અપાવવું હોય તો જટિલ વહીવટી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પરંતુ ગ્રામજનોની આસ્થા અને જહુ માતાજીની કૃપાથી તેમજ સરકારી અધિકારીઓની નિષ્ઠાવાન સક્રિય કામગીરીથી આ વહીવટી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થતા સવપુરા ગામનું નામ જહુનગર તરીકે સરકારી ચોપડે નોંધાતા ગ્રામજનોએ તેની ઉજવણીના ભાગ રૂપે જહુબઈ માતાના ભુવાજી ગમનભાઈ દેસાઈ અને ભુવાજી નરસિંહભાઈ દેસાઈ ના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી. જેમાં સમગ્ર ગ્રામજનો જોડાયા હતા. 

શોભાયાત્રા  જહુનગર થઈ રાણપુર વચલા વાસ જહુ ઝાપડી રાજબાઈ વિહત માતાના સ્થાનકે પહોંચી હતી. જ્યાં મંદિરે પૂજા અર્ચના તેમજ મહા આરતી કરી સમગ્ર ગ્રામજનોએ સામૂહિક ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

Download Our B K News Today App



Related News