પંચમહાલના નાવરિયા ગામમાં 25 વર્ષથી વિકાસ ન થતાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો, છોટાઉદેપુરમાં 10, પંચમહાલમાં 20 ટકા, નર્મદામાં 13 ટકા અને મહીસાગર 11 ટકા મતદાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-28 12:13:53
  • Views : 289
  • Modified Date : 2021-02-28 12:13:53

    પંચમહાલ, મહીસાગર, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં આજે સવારથી મતદાન શરૂ થયું છે. અત્યાર સુધીમાં છોટાઉદેપુરમાં 7 ટકા, પંચમહાલમાં 20 ટકા, નર્મદામાં 13 ટકા અને મહીસાગર જિલ્લામાં 11 ટકા મતદાન થયું છે. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નાવરિયા ગામના લોકોએ 25 વર્ષથી વિકાસ કામ ન થયો હોવાના આક્ષેપ સાથે મતદાનનો બહિષ્કાર કર્યો છે. નાવરિયા ગામમાં પંચમહાલ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું મતદાન મથક છે. ઘટનાને પગલે ચૂંટણી અધિકારી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા છે. નાવરિયા ગામના મતદાન મથકમાં 401 લોકોનું મતદાન છે. જોકે હજી સુધી મતદાન થયુ નથી. તંત્ર દ્વારા મતદાન કરવા માટે મતદારોને સમજાવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

    છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી ઉંચા કલમ ગામ ખાતે 11 વાગ્યા સુધી 0 ટકા મતદાન થયું છે. ગ્રામ પંચાયતની માંગણી લઇને ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા ગ્રામજનોએ મતદાન કર્યું નથી.

    મહીસાગર જિલ્‍લા પંચાયત અને છ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે આજે મતદાન શરૂ થયું છે. મહીસાગર જિલ્લા પંચાયતની 28 બેઠકો અને 6 તાલુકા પંચાયતોની 126 બેઠકો કુલ 873 મતદાન મથકો ઉભા કરવામાં આવનાર છે. જેમા 3,47,235 પુરૂષો અને 3,28,534 સ્ત્રી મતદારો મળી કુલ 6,76,769 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મહીસાગર જિલ્લાના કુલ 873 મતદાન મથકોમાં સૌથી વધુ લુણાવાડા તાલુકામાં 227 મતદાન મથકો તથા સૌથી ઓછા વિરપુર તાલુકામાં 95 મતદાન મથકો છે.

    પંચમહાલની જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને ગોધરા તથા શહેરા નગરપાલિકાની ચૂંટણી માટે આજે સવારથી જ મતદાન શરૂ થયું છે. પંચમહાલ જિલ્લામાં 1197 મતદાન મથકોમાં 11,28,461 મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે. જિલ્લામાં ચૂંટણી દરમ્યાન અનિચ્છીય બનાવ ડામવા અને શાંતીમય ચુંટણી પુર્ણ કરવા 1725 પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

    નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયતની 22 બેઠકો અને 5 તાલુકાની 90 બેઠકો પર ભાજપ કોંગ્રેસ અને બીટીપી ત્રિ-પાંખિયો જંગ ખેલાઇ રહ્યો છે. 4.04 લાખ મતદારો આજે મતદાન કરશે. આ વખતે રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક ઉમેવારો છે. જેમાં 28 બેઠકો માટે 115 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે.છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 94 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. છોટાઉદેપુર જિલ્લામાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની કુલ 140 બેઠકો માટે કુલ 360 ઉમેદવારો મેદાનમાં જંગ લડી રહ્યા છે. 1680 હોમગાર્ડઝ અને જી.આર.ડી જવાનો, 1282 પોલીસ જવાનો, 6 ડી. વાય. એસ. પી. કક્ષાના અધિકારી, 20 પી. એસ. આઈ., 3 પી. આઈ, તેમજ 1.5 એસ. આર. પી. કંપની ચૂંટણી કામગીરી સમયે કાયદો વ્યવસ્થાપન કરી રહ્યા છે.


Download Our B K News Today App



Related News