જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-25 11:15:02
  • Views : 441
  • Modified Date : 2019-06-25 11:15:02

ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે શરૂઆતના રાઉન્ડમાં સામાન્ય વરસાદ થયો હતો. ત્યારે ફરીથી બનાસકાંઠા સહિત ડીસામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં બનાસકાંઠામાં ખેડૂતોને વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોના ચહેરા પર આનંદ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં લગભગ લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું છે. બનાસકાંઠા જિલ્લો એ ખેતી આધારીત છે. મોટા ભાગમાં લોકો ખેતી આધારીત પોતાનું જીવન ગુજારે છે. ત્યારે  સામાન્ય ખેતીલાયક વરસાદથી ખેડૂતોએ વાવણી કરી દીધી હતી. પરંતુ ત્યારબાદ વરસાદે હાથતાળી દેતા ફરીથી ક્યારે વરસાદ પડે તેની સૌ કોઈ મીટ માંડીને બેઠા હતા.  છેલ્લાં બે દિવસથી રાજ્યભરમાં વાતાવરણ પલટાતા આકાશ કાળાડિબાંગ વાદળોથી છવાઇ જતાં અને એક જગ્યાએ વરસાદે બીજા રાઉન્ડની એન્ટ્રી કરી હતી.  બનાસકાંઠા જિલ્લા સહિત ડીસા તાલુકામાં સવારથી ધીમી ધારે અને હળવાથી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતા મુરજાયેલા ખેતી પાકોને જીવનદાન મળી જતાં ખેડૂતોના આનંદનો પાર રહ્યો નથી. જ્યારે લાંબા સમયથી ભારે ઉકળાટભર્યા વાતાવરણથી ત્રસ્ત થઈ ઉઠેલા લોકોને પણ વરસાદના કારણે ઠંડક પ્રસરતા ભારે રાહત થઇ છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેડૂતો  પણ લાંબા સમયથી વરસાદની રાહ જોઈ બેઠા હતા. છેલ્લાં ૫ વર્ષથી મંદી ભોગવી રહેલા ખેડૂતોને આ વર્ષે સારા વરસાદ ની રાહ જોઈ રહ્યા હતા. ગત વર્ષે નહિવત વરસાદ પડવાના કારણે ખેડૂતોને મોટા ભાગની ખેતીમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વર્ષે સારા વરસાદની આશાએ ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણી શરૂ કરી છે અને ભગવાન પાસે પ્રાથના કરી છે કે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ થાય અને ખેડૂતો સારું ઉત્પાદન મેળવી અને ગત વર્ષના નુકસાનમાંથી બહાર આવી શકે.
સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લાં બે દિવસ સારા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોએ હાલ સારા વરસાદની આશાએ પોતાના ખેતરમાં વાવણી કરવાની શરૂઆત કરી નાંખી છે.

Download Our B K News Today App



Related News