આમ ઈશારામાં ક્યાં સુધી પૂછીશ મને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-20 14:51:20
  • Views : 442
  • Modified Date : 2019-11-20 14:51:20

પ્રેમમાં મારી તો પહેલેથી જ "હા" છેશહેરની વૈભવી લાઈફ સ્ટાઈલથી આકર્ષિત થઈને અનેક પરિવારો ગ્રામીણ વિસ્તારમાંથી શહેર તરફ આંધળી દોટ મૂકી રહ્યા છે. આવા સમયે પણ શહેરથી દૂર આવેલા ગામડામાં રહેતો એક શ્રીમંત પરિવાર પોતાનું ગામ છોડી શહેરમાં ક્યારેય પણ ન વસવા માટે મક્કમ નિર્ધાર કરે છે. ઘરના મુખીયા પ્રવીણભાઈ દ્વારા ગામના લોકોને શહેરમાં ન જવા માટે અને શહેરમાં રહેવા ગયેલા લોકોને પોતાના ગામ સાથે જોડાયેલા રહેવા માટે સતત સમજાવી રહ્યા છે. પ્રવિણભાઈનો એક નો એક દીકરો નયન ૧૨માં ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે શહેરની નામાંકિત કોલેજમાં પ્રવેશ મેળવે છે અને શહેરમાં હોસ્ટેલમાં રહેવાના બદલે પોતાના ગામથી જ અપડાઉન કરે છે. કોલેજના અભ્યાસ દરમ્યાન નયન પ્રગતિ નામની યુવતીના સંપર્કમાં આવે છે અને મૈત્રીની શરૂઆત થાય છે. પ્રગતિનો પરિવાર વર્ષોથી શહેરમાં રહે છે અને તેના પિતાનો વ્યવસાય ખુબ સારો હોવાથી પૈસાની ક્યારેય ખોટ પડતી નથી. પ્રગતિ હંમેશા શહેરના વિકાસના અને શહેરના લોકોના વખાણ કર્યા કરે છે પરંતુ જ્યારે વાત સંસ્કારની આવે ત્યારે તે મૌન સેવે છે. નયન પ્રગતિને ફક્ત એટલું જ કહે છે કે અમારા ગામડાઓમાં ભલે વિકાસ ઓછો થયો છે અને અમારી પાસે ખૂબ જ સીમિત સંસાધનો છે પરંતુ અમારી પાસે સંસ્કાર રૂપી મૂડી આજે પણ સચવાયેલ છે. નયન અને પ્રગતિ જ્યારે પણ નવરાશના સમયે ભેગા થાય ત્યારે ગ્રામીણ જીવન પદ્ધતિ અને શહેરી જીવન પદ્ધતિ અંગે અવશ્ય સકારાત્મક ચર્ચા-વિચારણા કર્યા કરે છે.પરીક્ષાનો સમય નજીક આવી રહ્યો હોવાથી નયનનો અપડાઉનમાં સમય ન બગડે તે માટે પ્રગતિ તેને પોતાના ઘરે રોકાવા માટે આગ્રહ કરે છે ત્યારે નયન કહે છે કે મારી સંભાળ રાખવા માટે તારો ખૂબ ખૂબ આભાર પરંતુ હું તારા ઘરે રોકાઇ નહીં શકું. પ્રગતિએ કહ્યું કે અપડાઉન ના કારણે તારો સમય બગડે છે અને તું પરીક્ષાની યોગ્ય તૈયારી નહીં કરી શકે ત્યારે નયને જણાવ્યું કે હું બસમાં મિત્રો સાથે ખોટી વાતો કરવાના બદલે ચોપડી વાંચવાનું પસંદ કરું છું અને આખુ વર્ષ મેં વાંચ્યુ છે જેથી મારો અભ્યાસ બગડવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. નયનની વાત સાથે પ્રગતિ સહમત થાય છે અને તેમ છતાં પણ કહે છે કે તને ક્યારે પણ કોઈ તકલીફ પડે તો તું મારા ઘરે નિશ્ચત થઇને રોકાઈ શકે છે. વર્ષોને વીતતા ક્યાં વાર લાગે છે અને ત્રણ વર્ષનો કોલેજનો અભ્યાસ પૂર્ણ થાય છે. કોલેજમાં સાથે ખુબ જ ધીંગામસ્તી કર્યા પછી જ્યારે છેલ્લો દિવસ આવે છે ત્યારે પ્રગતિની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. પ્રગતિ કહે છે કે કોલેજના દિવસો આટલા ઝડપી વીતી જશે તેની ક્યાં ખબર હતી અને હજી તો એમ લાગી રહ્યું છે કે આપણે તો મિત્ર બન્યા છીએ અને છૂટા પડી રહ્યા છીએ. તરત જ નયને કહ્યું કે કોલેજનો અભ્યાસ તો પૂર્ણ થઇ ગયો છે એટલે આપણે છૂટા તો કરવું પડશે પરંતુ આપણે ચોક્કસ મળતા રહેશું. ફરી મળવા ના વચન સાથે નયન અને પ્રગતિ છૂટા પડે છે. એક મહિનાના વિરામ પછી કોલેજમાં પરીણામ લેવા માટે અનેક વિદ્યાર્થીઓની સાથે નયન અને પ્રગતિ પણ આવે છે. નયનને જોતાની સાથે જ પ્રગતિ કોલેજ કેમ્પસમાં દોટ મૂકે છે અને નયનને પ્રેમથી ભેટી પડે છે. જાણે કે વર્ષોના વિરહ બાદ પ્રેમી પંખીડાઓનું મિલન થયું હોય તેમ નયન અને પ્રગતિનું વર્તન લાગી રહ્યું છે. બધા જ વિદ્યાર્થીઓ કોલેજનું આખરી પરિણામ મેળવી રહ્યા છે ત્યારે નયન અને પ્રગતિ એકબીજા સાથે વાતો કરવામાં મશગૂલ છે. જ્યારે બધા વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ લઇને કોલેજ કેમ્પસ છોડી દે છે ત્યારે પ્રોફેસર આવીને નયન અને પ્રગતિને કોલેજનું આખરી પરિણામ આપે છે. સૌના આશ્ચર્યની વચ્ચે નયનનો પ્રથમ નંબર જ્યારે પ્રગતિનો દ્વિતીય નંબર આવે છે. પરિણામ જોઈને પ્રગતિ બોલી ઊઠે છે કે તે બસમાં પણ વાંચવામાં ખુબ સારી પ્રગતિ કરી છે અને હું ઘરે રહીને પણ મારા નયન ચોપડીમાં ટકાડી ન શકી. પ્રગતિનો વ્યંગ સાંભળી નયન સહિત પ્રોફેસરો હસવા લાગે છે. ફરીથી જ્યારે છૂટા પડવાનો સમય આવ્યો ત્યારે પ્રગતિ ચોધાર આંસુએ રડવા લાગે છે અને નયનનો હાથ પકડીને જીવનમાં ફરીથી મળવાનું વચન માંગે છે. નયન કહે છે કે મારા જીવનમાં તો હંમેશા પ્રગતિ થતી રહેશે પરંતુ આ પ્રગતિની વચ્ચે કોલેજની પ્રગતિને ક્યારેય પણ નહીં ભૂલું. પ્રગતિ ભાવુક બનીને જણાવે છે કે મૈત્રીમાં પણ આટલી લાગણી હોય તેની મને ખબર ન હતી અને આજે જ્યારે અનુભવ કરું છું ત્યારે ખુબ જ ખુશી થાય છે. છુટા પડતી વખતે પ્રગતિ પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહી છે ત્યારે પણ નયન પ્રગતિને પોતે પ્રેમ કરી રહ્યો છે તેવું કહેતો નથી. નયન ઇશારાઓ કરી પ્રગતિને પોતાના તરફ આકર્ષિત કરવાના પ્રયત્નો કરે છે પરંતુ પ્રગતિને પ્રેમ કરે છે તેવું સ્પષ્ટ રહેતો નથી. નયનના પ્રેમાળ ઈશારાને પ્રગતિ સમજી જાય છે અને કહે છે કે આમ ઈશારામાં ક્યાં સુધી પૂછીશ મને પ્રેમમાં મારી તો પહેલેથી જ "હા" છે. પ્રગતિ દ્વારા નયનના પ્રેમનો સ્વીકાર કરવામાં આવે છે. નયન જે વાત કહેવાથી ડરતો હતો તે  વાત પ્રગતિ ઈશારામાં સમજી જાય છે અને પ્રગતિને જીવનસાથી બનાવવાની નયનની ઈચ્છા પૂર્ણ થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. કોલેજના આખરી પરીણામની ખુશીની સાથે નયન અને પ્રગતિ જીવનસાથી બનવાનું વચન આપીને પોતાની ખુશીને અનેક ઘણી વધારે છે. નયન પોતાના ઘરે જવાના બદલે પ્રગતિ સાથે તેના ઘરે જાય છે અને પ્રગતિના માતા પિતાને વંદન કરીને આશિર્વાદ મેળવે છે. પ્રગતિના માતા પિતા નયનને ઉત્તમ પરીણામ માટે અભિનંદન પાઠવે છે અને ઉત્તમ ભવિષ્યની શુભકામનાઓ પાઠવે છે ત્યારે નયન કહે છે કે, મારૂ ભવિષ્ય તો આપના હાથમાં છે ત્યારે પ્રગતિના માતા પિતા કહે છે કે એ કઇ રીતે? આ સાંભળીને પ્રગતિ કહે છે કે, હું અને નયન એકબીજાને પ્રેમ કરીએ છીએ અને આપની પાસે સંમતિ માંગવા આવ્યા છીએ. જો આપની મંજૂરી હશે તો જ અમે લગ્ન કરીશુ નહિતર આજ પછી અમે બન્ને ક્યારેય પણ નહી મળીએ. પ્રેમની પવિત્રતા, વિનય, સચ્ચાઇ અને સમર્પણ ભાવથી પ્રગતિના માતા પિતા પ્રભાવિત થાય છે અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર બન્નેને સુખી દાંપત્ય જીવનના આશિર્વાદ આપે છે. પ્રગતિ તેના માતા પિતા સાથે નયનના ઘરે આવે છે અને બન્ને પરીવાર વચ્ચે સામાન્ય વાતચીત થાય છે. બન્ને પરીવારની સંમતી મળતા નયન અને પ્રગતિના સાદગીથી લગ્ન કરવામાં આવે છે અને લગ્ન ખર્ચના બચેલા પૈસા સેવાકાર્યમાં અર્પણ કરવામાં આવે છે. લગ્ન પછી પણ જ્યારે નયન ઇશારામાં વાત કરે છે ત્યારે પ્રગતિ કહે છે કે, નયન હું તમારી પત્નિ છું અને પત્નિને પ્રેમીકાની જેમ ઇશારામાં ફસાવવાના પ્રયત્ન ન કરશો ત્યારે નયન કહે છે કે, તું પહેલા મારી પ્રિયતમાં છે અને પછી પત્નિ એટલે ઇશારાઓ થતા રહેવાના. આ સાંભળીને પ્રગતિ ફક્ત એટલુ જ કહે છે કે, નયનના કેટલાક ઇશારાઓ સારા હોય છે પરંતુ જો યોગ્ય ઓળખી શકાય તો. 

Download Our B K News Today App



Related News