બનાસકાંઠામાં મેઘરાજાનું આગમન ઃ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-07 11:50:53
  • Views : 784
  • Modified Date : 2020-08-07 11:50:53

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી શરૂ થયેલો વરસાદ જિલ્લાના અનેક તાલુકાઓમાં સારો એવો પડતા હાલ ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી લોકો બફારાનો સામનો કરી રહ્યા હતા. તેમાંથી લોકોને મહદઅંશે રાહત મળી છે.
છેલ્લા ઘણા સમયથી વરસાદ નહિવત પડતા જિલ્લાના ખેડૂતો અને લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે ખેડૂતોએ વાવેલા મોંઘાદાટ પાકને લઈ ચિંતા જોવા મળી રહી હતી. ત્યારે જિલ્લાના જીવાદોરી સમાન ત્રણ જળાશયો વરસાદની અછતના કારણે કોરાધાકોર પડ્યા હોવાથી મોટી ચિંતાનો વિષય ઉભો થયો છે. દરમિયાન બુધવારની મોડી સાંજથી શરૂ થયેલા સારા વરસાદના કારણે હાલ ખેડૂતોના માથેથી પોતાના પાકને લઈ ચિંતા દૂર થઇ છે. ત્યારે હજુ
પણ જિલ્લાવાસીઓ સારા વરસાદની રાહ જોઈને બેઠા છે. બુધવારથી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેથી ભારે ઉકળાટ અને બફારાનો અનુભવ કર્યા બાદ મોડી સાંજે ભારે વાવાઝોડા અને પવન સાથે વરસાદ થયો હતો. ખાસ કરીને ધાનેરા, દિયોદર અને લાખણીમાં સારો વરસાદ વરસ્યો હતો. જ્યારે ડીસા, વાવ, સુઇગામ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થયો હતો.  જ્યારે થરાદમાં ભારે પવન સાથે વરસાદ આવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ હતી. તેમજ ખેતરોમાં રહેલા છાપરા ઉડવા પામ્યા હતા અને નુકશાન થવા પામ્યું હતું. બીજા દિવસે ગુરુવારે જિલ્લામાં વરસાદી માહોલ બનતા વરસાદ થતા ફરીવાર પાકને જીવતદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જોકે વરસાદ થતા એકંદરે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી છે.

Download Our B K News Today App



Related News