બનાસકાંઠામાં સર્વત્ર વરસાદથી વ્યાપક નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-01 11:29:30
  • Views : 398
  • Modified Date : 2019-10-01 11:29:30


ડીસા
પાલનપુર ઃ બનાસકાંઠામાં ચોમાસાની શરૂઆતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે, શ્રવણ માસમાં સારો વરસાદ થયા બાદ હવે ભાદરવો જામ્યો છે. જેમાં પણ નવરાત્રીની સાથે વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા ૨જી ઓક્ટોબર સુધી ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે રવિવારે રાત્રે ભીલડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં પ્રથમ નોરતું ધોવાઈ ગયું હતું. જ્યાં ચાચરચોક વરસાદી પાણીમાં ગરકાવ થતાં ખેલૈયાઓ નિરાશ થઈ ગયા હતા. ભીલડી પંથકમાં રવિવારે સાંજથી જ ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. વહેલી સવાર સુધીમાં ગરબા ચોકમાં પાણી ભરાઈ ગયા હતા. ભીલડીમાં માત્ર ઉમિયાનગર અને પોલીસ લાઈનમાંજ નવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવે છે. જોકે, ચાચરચોકમાં
પાણી ભરાઈ જતાં ખેલૈયાઓમાં નિરાશા પ્રસરી જવા પામી હતી.
વડગામ ઃ દક્ષિણ ગુજરાતના અરબી સમુદ્રમાં સર્જાયેલા હલકા દબાણને લીધે ગુજરાતમાં ૪ દિવસ સુધી વરસાદ પડે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે અને જેના લીધે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. જેના લીધે ખેડૂતોએ ખેતરમાં વાવેલ મગફળી, ચોમાસુ બાજરી, ગાર જેવા
પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને જેનાથી ખેડૂતોને લાખોનું નુકસાન થવાની ભીતિ  છે. સતત બે દિવસથી પડી રહેલા વરસાદને લીધે ખેતરો બેટમાં ફેરવાયા છે અને પશુઓ બેહાલ બન્યા છે. આ અંગે વડગામના ખેડૂત અગ્રણી નાથુસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આ પડી રહેલા વરસાદને  લીધે જમીનમાં રહેલી મગફળી પાછી જમીનમાં ઉગી જેના લીધે ખેડૂતોને આ વખતે લાખોનું નુકસાન થવાનું છે અને ઊભી બાજરીના ડોડા પણ ઉગી ગયા છે. સતત વરસાદને લીધે મોટા પ્રમાણમાં બગાડ થવાની ભિતી છે. ત્યારે સરકારે તાત્કાલિક પાકોનું સર્વે કરાવી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી મારી અને તાલુકાના તમામ ખેડૂતોની માંગ છે.
થરાઃ બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં કાંકરેજ તાલુકામાં સિઝનનો વરસાદ બહુ વરસ્યો નથી છતાં અવારનવાર વરસાદી ઝાંપટાને બોર નહેરના પાણીથી કૃષિપાકો મહા મહેનતે તૈયાર કર્યા છે તેવામાં  ભાદરવા પછી મેઘરાજા ખમૈયા કરશે તેવી આશા પર પાણી ફરી વળ્યુ છે. ગઇ કાલે કાંકરેજ તાલુકાના થરા સહિત આજુબાજુના વિસ્તારમાં સવારે ચાર-સાડા ચાર વાગ્યાથી જ ઝરમર ઝરમર વરસાદ ચાલુ થયો હતો. જે લગભગ એક બે વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. તો થોડો ઉઘાડ નીકળતા પ્રથમ નવરાત્રી હોવાથી ખૈલેયાઓમાં ખુશીનો માહોલ હતો કે રાત્રે થનગનાટ કરી માંના ગરબા ગવાશે, પણ સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે પશ્ચિમ-દક્ષિણ પટામાંથી કાળા ડીબાંગ વાદળો ઉમટી આવ્યા હતા. પવન સાથે ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થતા મંડપ અને ગરબાના સ્થળો પાણી પાણી થઇ ગયા હતા.  ધોધમાર વરસાદ ચાલુ રહેતા ખેડૂતો-પશુપાલકોનું હવે આવનાર ભવિષ્યમાં શું થશે. મોધા ખાતર-બિયારણ-મજુરી પાણીમાં જશે. એક બાજુ ભયંકર રોગચાળોને બિજીબાજુ વરસાદી માહોલથી ખેડૂતોમાં હતાશા વ્યાપી છે. ગ્રામ્ય જીવન પર બજારનો આધાર છે ને વરસાદી માહોલ રહેતા વેપારીઓ આગામી સમયમાં ભયંકર મંદીની ચિંતામાં લપેટાયેલા જોવા મળ્યા હતા. કાંકરેજ તાલુકામાં થરા સહિત આજુબાજુના વિસ્તારમાં પહેલુ નોરતુ શુષ્ક રહ્યુ હતુ. જેથી હવે કેવુ વાતાવરણ રહે છે તેના તરફ સૌ ખૈલૈયા અને માઇભકતોની નજર છે.
દિયોદરઃ હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધ્યુ છે. છેલ્લાં ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર અને ભાભર તાલુકામાં સવારે ૬ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકના સમયગાળામાં દિયોદરમાં ૩ ઇંચ થી વધુ અને ભાભરમાં ૭ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. આ ઉપરાંત જિલ્લાના સુઇગામ, વડગામ, કાંકરેજમાં પણ સારો વરસાદ નોંધાયો છે. ૩ ઓકટોબર સુધી હવામાન વિભાગની આગાહી છે ત્યારે જોવું રહ્યુ કે વરસાદ ખેલૈયાઓને કેવા  રમાડે છે.
પાદરડી
કાંકરેજ તાલુકાના પાજરડી ગામે અતિભારે વરસાદના કારણે ઉભા પાકોને ભારે નુકસાન પહોંચી રહ્યુ છે. સતત ત્રણ દિવસથી વરસતા વરસાદના કારણે ખેડૂતોમાં મોઘા બિયારણ કપાસોને નુકસાન થઈ રહ્યુ છે. મગફળી અંદરને અંદર ઉગવા લાગી છે. જયારે કપાસના કાલા ફુટી રૂ બગડવા લાગ્યુ છે. સતત ૪૮ કલાકથી વરસતા વરસાદથી નુકસાન થઈ રહ્યુ છે ત્યારે હજુ વરસાદ વિરામ નથી લઈ રહ્યો જેથી વધારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. 

Download Our B K News Today App



Related News