સમગ્ર ગુજરાતમાં કંપાઉન્ડ વૉલ વગરની ખાનગી શાળાઓમાં વલસાડ જિલ્લો પ્રથમ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 11:09:28
  • Views : 216
  • Modified Date : 2021-03-09 11:09:28

    જિલ્લાની કેટલીક સરકારીઓની હાલત જર્જરિત છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં કંપાઉન્ડ વૉલ વગરની પ્રાથમિકખાનગી શાળાઓમાં વલસાડ જિલ્લો પ્રથમક્રમે છે. તાજેતરમાં વિધાનસભામાં રજુ થયેલા પ્રશ્નના જવાબમાં સરકારે રજુ કરેલા આંકડમાં વલસાડ જિલ્લાની 109 પ્રા.ખાનગી શાળાઓમાં કંપાઉન્ડ વૉલ ન હોવાની માહિતી રજુ કરાઇ છે. જેથી આ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સીધા સવાલો ઊભા થઇ રહ્યાં છે.

    વલસાડ જિલ્લામાં જિલ્લા પંચાયત સંચાલિત 900થી વધુ સરકારી પ્રા. શાળાઓ કાર્યરત છે. આ સાથે ખાનગી શાળાઓનો પણ રાફડો ફાટી નિકળ્યો છે. કપરાડા અને ધરમપુરની કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓના ઓરડાની હાલત અતિ ખરાબ છે. ત્યારે જિલ્લાની ખાનગી શાળાઓમાં પણ સ્થિતિ સારી ન હોવાનો અહેવાલ બહાર આવ્યો છે. તાજેતરમાં કોેંગ્રેસના ધારાસભ્યોએ કંપાઉન્ડ વૉલ વગરની શાળાની માહિતી જિલ્લાવાર માગી હતી. વિધાનસભામાં સરકારે આ અંગેની માહિતી રજુ કરી છે. જે મુજબ વલસાડ જિલ્લામાં 109 ખાનગી શાળાઓમાં કંપાઉન્ડ વૉલ નથી.

    આટલી બધી શાળાઓમાં કંપાઉન્ડ વોલ ન હોય તો શાળામાં અવર-જવર કરતાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યાં છે. પ્રાથમિક શિક્ષણ વિભાગે આ માટે ખાનગી શાળાઓ સામે અત્યાર સુધી કાર્યવાહી કેમ ન કરી તે સવાલ ઉઠી રહ્યો છે. જો કે અન્ય કેટલીક મોટી ખાનગી શાળાઓમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. જયાં ફી પણ બેફામ લેવામાં આવે છે.વલસાડ જિલ્લામાં 109 ખાનગી શાળાઓની સાથે જિલ્લા પંચાયત સંચાલિત 129 સરકારી પ્રાથમિક શાળાઓમાં પણ આજ હાલત છે. આ શાળાઓમાં કંપાઉન્ડ વૉલ નથી. કંપાઉન્ડ વૉલના અભાવે પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરતાં હોય તેવી પ્રતીતિ થઇ રહી છે. કપરાડાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં તો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી નથી. તબેલામાં સ્કુલો ચાલતી હોવાના દ્રશ્યો પણ બહાર આવી ચુકયાં છે.

    વિધાનસભામાં રજુ થયેલી માહિતી અનુસાર વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં કુલ 735 ઓરડાની ઘટ છે. વર્ષ 2019-20માં 43 ઓરડા બનાવામાં આવ્યાં હતાં. ઓરડાના અભાવે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ભારે તકલીફ પડી રહી છે. વાપી,કપરાડા અને ધરમપુર તાલુકામાં સૌથી વધારે પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ હોવાનું બહાર આવ્યું છે.

    જિલ્લામાં કુલ 968 સરકારી પ્રાથમિક શાળાઓ છે. જયારે 10 ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓનો સમાવેશ થાય છે. 261 ખાનગી શાળાઓ કાર્યરત છે. બે વર્ષમાં સરકારે એક પણ સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાને મંજુરી આપી નથી. જયારે 7 પ્રા. શાળાઓને મંજુરી છે. ખાનગી શાળાઓને મંજુરી વધુ અપાઈ રહી છે. જયારે સરકારી પ્રા. શાળાઓમાં હજુ પણ સુવિધાઓનો અભાવ છે.

    વલસાડ જિલ્લામાં 109 ખાનગી શાળાઓ તથા 129 સરકારી પ્રાથમિક શાળાઓમાં કંપાઉન્ડ વોલ ન હોવાની માહિતી વિધાનસભામાં રજુ થઇ છે. આ આંકડાની વાસ્તવિકતા અંગે શિક્ષણ વિભાગના ડીપીઇ ચંદુભાઇએ જણાવ્યુ હતું કે આ માહિતી સાચી છે. બીજી તરફ જિલ્લામાં સૌથી વધારે ખાનગી શાળાઓ વાપી તાલુકામાં આવેલી છે. એપાર્ટમેન્ટોમાં પણ સ્કુલો ચાલી રહી છે. ભૌતિક સુવિધા અંગે શિક્ષણ વિભાગની અનેક નોટિસો છતાં સ્થિતિમાં બદલાવ આવતો નથી.કઇ કઇ ખાનગી શાળાઓ છે તેની માહિતી એકત્ર કરાશે. જેમને કંપાઉન્ડ વોલ વોલ અંગે તાત્કાલિક તાકીદ કરાશે. જયારે સરકારી શાળાઓ માટે સરકાર બજેટ ફાળવશે. આ માટે મંજુરી મુજબ પ્રક્રિયા આગળ વધે છે. >બી.ડી.બારિયા,પ્રાથમિક શિક્ષણ અધિકારી,વલસાડ


Download Our B K News Today App



Related News