ધાનેરા તાલુકો વાયરલ ફિવરના ભરડામાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-28 11:57:42
  • Views : 474
  • Modified Date : 2019-08-28 11:57:42

ધાનેરા તાલુકામાં છેલ્લાં ૧૫ દિવસથી વાતાવરણમાં
પલ્ટો આવતા બીમારીનું પ્રમાણ વધી જવા પામ્યુ છે. ધાનેરા તાલુકાના તેમજ શહેરના તમામ દવાખાનાઓ દર્દીઓથી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તેમાં રેફરલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો રહેતા તેમને સુવાડવા માટે પલંગ ન હોવાથી એક પલંગ ઉપર બે-બે દર્દીઓને સુવાડવા પડી રહ્યા છે. એકજ રૂમમાં ૫ ડોક્ટરો દર્દીઓની તપાસ કરી રહ્યા છે તેમ છતાં આ હોસ્પિટલ બાબતે સરકારની ઉંઘ ઉડતી નથી. દિવસે ગરમી અને રાત્રીના સમયે ઠંડીનું પ્રમાણ રહેતા ધાનેરા તાલુકામાં શરદી, ખાંસી તેમજ તાવનું પ્રમાણ વધ્યુ છે. જેના કારણે ગામડાઓમાં આવેલા સરકારી દવાખાનાઓ  પ્રાઇવેટ દવાખાનાઓ પણ ધમધમી રહ્યા છે. ત્યારે ગામડાઓમાંથી મોટા પ્રમાણમાં દર્દીઓ ધાનેરા આવતા ધાનેરાના તમામ પ્રાઇવેટ દવાખાનાઓ ઉભરાયેલા જોવા મળી રહ્યા છે. અને જ્યાં દેખો ત્યાં ખાટલાઓ ભરેલા જોવા મળી રહ્યા છે. પરંતુ આપણે વાત કરવી છે ધાનેરાની રેફરલ હોસ્પિટલની. આ હોસ્પિટલમાં  હાલમાં ૫૦૦ જેટલા રોજના દર્દીઓ આવી રહ્યા છે અને તેમાં મોટા ભાગના દર્દી વાયરલ ફિવરના આવી રહ્યા છે. જેથી આ દર્દીઓને સારવાર માટે ઇન્ડોર કરવામાં આવે છે. પરંતુ હોસ્પિટલમાં અપુરતી જગ્યા અને પલંગના લીધે એક પલંગ ઉપર બે-બે દર્દીઓને સુવાડવા પડી રહ્યા છે.  જેના કારણે દર્દીઓ પણ ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ત્યારે બીજી તરફ પલંગ ન હોવાથી દર્દીઓ દ્વારા સ્ટાફ સાથે  કરાતી કનડગતના લીધે સ્ટાફ પણ ભારે  પરેશાની  ભોગવી રહ્યો છે. ડોક્ટરોની ચારે બાજુ જોવા મળે છે દર્દીઓ.
ધાનેરા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને તપાસવા માટે એકજ રૂમ હોવાથી ઓ પાંચ ડોક્ટરોને એકજ રૂમમાં બેસીને દર્દીઓને તપાસ કરવા પડી રહ્યા છે. આ દર્દીઓ ડોક્ટરોની ચારેબાજુ જોવા મળતા હોય છે જેથી આ હોસ્પિટલ નહી પરંતુ શાકભાજી ખરીદવાનો રૂમ હોય તેવી રીતે દર્દીઓ જોવા મળી રહ્યા છે. જેના કારણે ડોક્ટરો પણ આ નાનકડા રૂમમાં ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે.

Download Our B K News Today App



Related News