ધાનેરા તાલુકામાં નર્મદાના નીરના વધામણાના કાર્યક્રમો યોજાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-18 12:44:36
  • Views : 519
  • Modified Date : 2019-09-18 12:44:36

સમગ્ર ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઇને ઉત્સવ જેવો માહોલ બનાવ્યો છે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા ખાતેથી નર્મદાના નીરના વધામણા કરવાના છે. ત્યારે સમગ્ર રાજ્યમાં પણ આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે. જ્યાં નર્મદાના નીર પણ જોયા નથી તેવા ગામડાઓ અને શહેરોમાં પણ નર્મદાના નીરના વધામણા કાર્યક્રમ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે ધાનેરા તાલુકામાં જિલ્લા
પંચાયતની બેઠકો ઉપર નર્મદાના નીરના વધામણા કરવા માટે ગામમાં આવેલા તળાવો ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. 
કેટલાંક તળાવમાં માત્ર થોડુજ પાણી હોવા છતાં પણ ત્યાં વધામણા કરવા માટે રાજકીય આગેવાનો ઉમટી પડયા હતા. અને પૂજન અને આરતી કરી હતી. ત્યારે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ઉંચપાળીયા તળાવમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.  આ તળાવમાં ક્યાંય પણ વરસાદી પાણી ન હતુ માત્રને માત્ર ગટરના પાણી હતા. તેમજ છતાં આ ગટરના પાણીના પૂજન નર્મદાના નામે કરવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેમજ ભાજપના કેટલાક કાર્યકર્તાઓ પણ આ ગટરના પાણીના પૂજન કરતા નારાજગી જોવા મળી હતી. ત્યારે આ કાર્યક્રમમાં  આવેલા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વસંતભાઇ પુરોહિત અને બનાસ ડેરીના વા. ચેરમેન માવજીભાઇ દેસાઇ પૂજન કર્યા વગર બારોબાર થઇ જતાં અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ધાનેરા પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર, ન.પા. પ્રમુખ તેમજ પાલિકાના તમામ કોર્પોરેટરો અને નાગરીકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે ધાનેરા તાલુકાના સરાલ, ધાખા, થાવર, જડીયા, ખીમત વગેરે ગામોમાં પણ પૂજન કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News