UPના ખેડૂતો આજે ગાઝીપુર કૂચ કરશેઃ ઈન્ટરનેટ સેવાઓ બંધ; હિંસાનું પ્રાયશ્ચિત કરવા માટે ખેડૂતો 8 કલાકની ભૂખહડતાળ પર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-30 11:49:25
  • Views : 255
  • Modified Date : 2021-01-30 11:49:25

    કૃષિ કાયદાઓની વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 66મો દિવસ છે, પરંતુ છેલ્લા 4 દિવસમાં 2 વખત થયેલી હિંસા પછી આંદોલન હવે નવો વળાંક લઈ રહ્યું છે. સિંધુ બોર્ડરની સાથે જ હવે ગાઝીપુર પણ મોટું પોઈન્ટ બનતું નજરે પડે છે, કેમ કે યુપીના હજારો ખેડૂતો આજે ગાઝીપુરની તરફ કૂચ કરશે. આ નિર્ણય મુઝફ્ફરનગરમાં શુક્રવારે થયેલી મહાપંચાયતમાં લેવાયો, જેથી આંદોલનને મજબૂત કરી શકાય. દરમિયાન ખેડૂત નેતા દર્શનપાલ સિંહે બંધ કરવામાં આવેલી ઈન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરવા માગણી કરી છે. અત્યારે સિંધુ બોર્ડર પર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તહેનાત કરાયા છે, જ્યારે કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના દેખાવો પણ ચાલુ છે.

    બીજી તરફ, ખેડૂતોએ આજે ઉપવાસ શરૂ કર્યા છે. આજે એક દિવસનો ઉપવાસ રાખીને ખેડૂતો સદભાવના દિવસ મનાવશે. એના દ્વારા તેઓ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેકટર રેલીમાં થયેલી હિંસાનું પ્રાયશ્ચિત કરવા માગે છે.કિસાન મજદૂર સંઘર્ષ કમિટી દ્વારા આજે બપોરે 12 વાગ્યે સિંધુ બોર્ડર પર પત્રકાર પરિષદ થવાની છે. અહીં કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા આંદોલન મામલે ખેડૂતો આગળની રણનીતિની જાણકારી આપશે.

    ટ્રેક્ટર રેલીમાં હિંસા તથા શુક્રવારે પોલીસકર્મીઓ પરના હુમલા પછી સરકાર એક્શનમાં છે. કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોનો જમાવડો સિંધુ બોર્ડર પર છે. અહીં આસપાસના વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે, જે મામલે ખેડૂત નેતા દર્શનપાલ સિંહે સિંધુ બોર્ડર પર ઈન્ટરનેટ સેવાઓ પૂર્વવત્ કરી દેવા માટે માગણી કરી છે. તેમણે કહ્યું હતું કે અમારી વાતો લોકો સુધી ન પહોંચી શકે એટલા માટે ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે. દર્શનપાલ સિંહે કહ્યું હતું કે જો સરકાર ઈન્ટરનેટ સેવાઓ ફરી શરૂ નહીં થાય તો ખેડૂતો દેખાવો કરશે.

    ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતને હવે રાજકીય દળ સ્પષ્ટપણે સમર્થન આપવા લાગ્યા છે. ઈન્ડિયન નેશનલ લોકદળના મહાસચિવ અભય ચૌટાલા આજે ટિકૈતને મળશે. તેના પહેલાં શુક્રવારે રાષ્ટ્રીય લોકદળ (RLD)ના નેતા જયંત ચૌધરી અને દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયા ગાઝીપુર પહોંચ્યા હતા. સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ ટિકૈતને કહ્યું હતું કે તેમની પાર્ટી કિસાનોની સાથે છે.કિસાન આંદોલનના સૌથી મોટા પોઈન્ટ સિંધુ બોર્ડર પર શુક્રવારે સ્થાનિક લોકો અને ખેડૂતોની વચ્ચે હિંસા થઈ હતી. તેમાં 5 પોલીસકર્મી ઘાયલ થયા. એક ઉપદ્રવીએ SHO પર તલવારથી હુમલો કરી દીધો હતો. આ મામલે અત્યારસુધીમાં 44 લોકોની ધરપકડ થઈ છે, જ્યારે સિંધુ અને ટીકરી બોર્ડર પર સુરક્ષા વધારી દેવાઈ છે.

    સિંધુ બોર્ડર પર હિંસા પછી માહોલ બગડવાની આશંકાથી હરિયાણા સરકારે શુક્રવારે સાંજે 17 જિલ્લામાં ઈન્ટરનેટ સર્વિસીઝ બંધ કરી છે. એમાં અંબાલા, યમુનાનગર, કુરુક્ષેત્ર, કરનાલ, કૈથલ, પાણીપત, હિસાર, જિંદ, રોહતક, ભિવાની, ચરખી દાદરી, ફતેહાબાદ, રેવાડી અને સિરસા સામેલ છે. આ જિલ્લામાં વોઈસ કોલ સિવાયની ઈન્ટરનેટ સેવાઓ શનિવારે સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. સોનીપત, પલવલ અને ઝજ્જરમાં ઈન્ટરનેટ સેવાઓ અગાઉથી જ બંધ છે.

    આંદોલનને મજબૂત કરવા માટે પંજાબના ખેડૂતો હવે બીજાં રાજ્યોના ખેડૂતોને પણ સાથે લાવશે. આ માટે પટિયાલાથી 700, મોગાથી 450, ગુરદાસપુરથી 50 અને હોશિયારપુરના ટાંડાથી 70 ખેડૂતો શુક્રવારે દિલ્હી માટે રવાના થઈ ગયા. 41 ખેડૂત સંગઠનોની 72 ટીમ દરેક ઘરેથી એક સભ્યને મોકલશે. આ ટીમો બીજાં રાજ્યોના ખેડૂતોને પ્રદર્શનમાં લાવશે.



Download Our B K News Today App



Related News