બિપરજોય વાવાઝોડાના પગલે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલા દેવભૂમિ દ્વારકાની મુલાકાતે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-13 15:07:53
  • Views : 101
  • Modified Date : 2023-06-13 15:07:53

 બિપરજોય વાવાઝોડાને લઈને રાજ્ય પર સંકટ તોળાઈ રહ્યું છે. રાજ્ય સરકાર વાવાઝોડાને પગલે તૈયારીઓમાં જોતરાઈ છે. વાવાઝોડા સામે પહોંચી વળવા એનડીઆરએફ સહિતની ટુકડીઓ સજ્જ છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ સરકારે જરૂરી તમામ કામગીરી હાથ ધરી છે.અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય દ્વારકા નજીકથી પસાર થવાનું છે, ત્યારે કેન્દ્રીય મંત્રી રષોત્તમ  રૂપાલા આજે વહેલી સવારે દ્વારકા આવી પહોંચ્યા છે. તેઓએ આજે સવારે દ્વારકા ખાતે સજજ એન.ડી.આર.એફ.ની ટીમની મુલાકાત લીધી અને તેમણે કરેલી કામગીરી તેમજ તેમની સાધન સજ્જતાની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય મંત્રીએ રૂપેણ બંદરની પણ મુલાકાત લીધી હતી તેમજ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો તાગ મેળવ્યો હતો. આ ઉપરાંત તેમણે દ્વારકાની સમગ્ર સ્થિતિનો ચિતાર આપ્યો હતો. એન.ડી.આર.એફ.ટીમના ઇન્સ્પેક્ટર દેવ પ્રકાશજીએ કેન્દ્રીય મંત્રીને તેમની ટીમે કરેલી કામગીરી તેમજ સાધન સજ્જતા સહિતની બાબતોથી માહિતગાર કર્યા હતા.બે દિવસ પહેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને જિલ્લામાં ઘટતી તમામ સુવિધાઓ પુરી પાડવા અધિકારીઓને સુચના આપી હતી. બીજા દિવસે તેમણે દ્વારકાધીશના દર્શન કરી વાવાઝોડાના સંકટથી લોકોને બચાવવા પ્રાર્થના કરી હતી. ત્યારબાદ રૂપેણ બંદરના સ્થળાંતરિત લોકોની મુલાકાત પણ કરી હતી. તેમજ રુપેણ બંદર પર આરોગ્યની ટીમ પણ કાર્યરત કરાવી હતી. જ્યાં સુધી વાવાઝોડાનું સંકટ ના ટળે ત્યાં સુધી રાજ્ય ગૃહમંત્રી દ્વારકામાં જ રહેશે.બિપરજોય વાવાઝોડાને પગલે દેવભૂમિ દ્વારકામાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવી છે. તંત્ર દ્વારા સિગ્નેચર બીચ, રૂપેણ બંદર સહિત દરિયાકાંઠાના 12 ગામોમાંથી 3000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સિગ્નેચર બીચ પર કામ કરતા લોકોનું ઓખામાં તો રૂપેણ બંદરના લોકોનું કુરંગામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેમજ દરિયાકાંઠા વિસ્તારના તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.વાવાઝોડા દરમિયાન આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની એક ટીમ રૂપેણ બંદર પર તૈનાત છે. ત્યારે બીજી ટીમ પણ પહોંચી રહી છે. આ ઉપરાંત SDRFની એક ટીમ પણ તૈનાત છે. તો ઓખાની NDRFની એક ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. દ્વારકાના દરિયામાં મોજાની તીવ્રતા વધી છે. ગોમતી ઘાટ અને સંગમ ઘાટ પર 15થી 20 ફુટ ઊંચા મોઝા ઉછળી રહ્યા છે. ભરતીના સમયે દરિયો વધુ તોફાની બની જાય છે જેના કારણે મોજાની તીવ્રતા વધી છે.બિપરજોય વાવાઝોડાના પગલે ગોમતી ઘાટ, સંગમ ઘાટ સહિત દ્વારકાના તમામ બીચ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બેટ દ્વારકા-ઓખા વચ્ચેની પેસેન્જર રોરો ફેરી પણ બંધ કરવામાં આવી છે. આ તમામ સ્થળો પર કલમ 144 લાગુ કરવામાં આવી છે અને પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 16 જૂન સુધી પ્રવાસ ટાળવા લોકોને અપીલ કરી છે.

Download Our B K News Today App



Related News