ગાંધીનગરમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા ૫૦૦ ગરીબ પરિવારોની જઠરાગ્નિ ઠારવાનું ઉમદા કાર્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-15 11:58:38
  • Views : 360
  • Modified Date : 2020-04-15 11:58:38

“કર ભલા તો હોગા ભલા” ના ઉમદા અભિગમ સાથે ગાંધીનગર શહેરમાં શિક્ષણની જયોત પ્રજવલિત કરનાર કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા વર્તમાન લોકડાઉન
પરિસ્થિતિમાં ગાંધીનગરના ૫૦૦થી વધુ જરૂરિયાતમંદ ગરીબ પરિવારના સભ્યોની જઠરાગ્નિ ઠારવાનું પણ ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યુ છે.
ગાંધીનગર કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના નિખીલભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમારા મંડળના ચેરમેન વલ્લભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે. કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળના એલ.ડી.આર.પી. સંકુલ ખાતેથી નિયમિત રીતે સવાર-સાંજનું ૫૦૦ વ્યક્તિઓ માટેનું ભોજન તૈયાર કરવામાં આવે છે. આ ભોજન મોટા વાસણોમાં ભરીને ગાંધીનગરના સેકટર-૨૩ માં આવેલા સાંઇબાબા મંદિર અને સેકટર- ૪ નજીકના હળમતિયા વિસ્તારમાં રહેતા ગરીબ
પરિવારોને પહોંચતું કરવામાં આવે છે.
આ બન્ને જગ્યાએથી ગાંધીનગરના કેપિટલ ક્રિએટિવ ગ્રુપ અને સહિયર ગ્રુપના સહયોગથી આ ભોજનની  વિતરણ વ્યવસ્થા કરવામાં આવે છે. હળમતિયા ખાતે આવેલા આ સેવાકીય કાર્યની મુલાકાત દરમ્યાન શહેરના અગ્રણી અને સહિયર ગ્રુપના મુકેશભાઇ  પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરની કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ થકી આ તમામ ભોજન તા.૨૭મી માર્ચથી નિયમિત રીતે અહી આવે છે. અહી આ બન્ને ગ્રુપના સક્રિય સભ્યો દ્વારા ગરીબ
પરિવારોને વિતરણ કરવાનું સુચારું આયોજન કરવામાં આવે છે. આ બન્ને સ્થળે સરકારના નિયમોનુસાર ભોજનના વિતરણ દરમ્યાન સોશ્યિલ ડિસ્ટન્સ  જાળવવામાં આવે છે.
ગાંધીનગર ખાતે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સેકટર-૨૩ ખાતે આવેલી તેમની હોસ્ટેલમાં ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સાથે રહીને સેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે. જયાં અત્યારે અંદાજીત ૨૦૦ જેટલા શ્રમિકો રહે છે. તેમને સવાર-બપોર ચા – નાસ્તા સાથે સાથે બન્ને ટાઇમ ભોજન પણ આપવામાં આવે છે. તેની સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોકટરોને રહેવા માટે આ સંસ્થા દ્વારા નિસર્ગ કોલેજમાં અલાયદા રૂમોની વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જરૂરિયાતમંદોને કીટસ આપવામાં આવી રહી છે. આ કીટસમાં ૫ કિલો ઘઉંનો લોટ, ૫૦૦ ગ્રામ ચણા, ૨ કિલો ચોખા, ૫૦૦ ગ્રામ તેલ, ૨૦૦ ગ્રામ ચા, ૧ કિલો ખાંડ, ૨૦૦ ગ્રામ મરચું અને ૧૦૦ ગ્રામ હળદર મળીને એક કીટ તૈયાર કરવામાં આવી છે. અત્યાર સુધી આવી ૪૦૦ કીટ ગ્રામ્ય અને ૬૦ કીટ શહેરી વિસ્તારમાં વિતરણ કરવામાં આવી છે.
હળમતિયા અને સાંઇ મંદિર ખાતે કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા આવતા ભોજનની સુચારું વ્યવસ્થા કરવામાં આવી છે. તેને મુકેશભાઇ પટેલ, મુકેશ મારૂ અને અશ્વિન સુહાનના માર્ગદર્શન હેઠળ ફીરોજખાન, દિપસિંહ ઝાલા, દેવાંગ પરમાર, જૈનુલ પટેલ, મેહુલ સોંલકી જેવા કેપિટલ ક્રિએટિવ અને સહિયર ગ્રુપના યુવાનો દ્વારા ભોજન આપવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. 

Download Our B K News Today App



Related News