અંબાજી દર્શને જતા અમદાવાદના પરિવારની કારમાં ખેરાલુ નજીક અકસ્માત બાદ આગઃ બે કિશોરી અને વૃદ્ધા ભડથું, બે દાઝ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-02 12:17:24
  • Views : 496
  • Modified Date : 2020-10-02 12:17:24

              આજે ખેરાલુ પાસે થયેલા અકસ્માતમાં અંબાજી દર્શન કરવા જતા અમદાવાદ રહેતા એક પરિવારની કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગની લપેટમાં આવેલી કારમાં સવાર બે કિશોરી અને એક વૃદ્ધા ભડથું થઈ ગયાં હતાં. જોકે કારમાં દંપતીનો બચાવ થયો હતો, પરંતુ તેઓ અકસ્માતને કારણે આગથી દાઝી ગયાં હતાં. તેમને ખેરાલુની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યારે અકસ્માતને કારણે 3 વ્યક્તિ ભડથું થતાં તેને થેલી અને કપડાંમાં ઢાંકીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી.

મૂળ વડનગરનો પરિવાર અંબાજી દર્શને જતો હતો
અમદાવાદ રહેતા અને મૂળ વડનગરના કરબટીયા ગામનો પટેલ પરિવારે આજે વહેલી સવારે અંબાજી દર્શનાર્થે જઈ રહ્યો હતો. ત્યારે અગમ્ય કારણોસર GJ01KR1531 નંબરની CNG કીટવાળી કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. કાર ઝાડને અથડાયા બાદ એકાએક કારમાં આગ ફાટી નીકળી હતી. જેમાં કરબટીયા ગામના પટેલ પરિવારની બે દીકરીઓ અને તેમના દાદી બળીને ભડથું થઈ ગયા હતા.

અકસ્માત બાદ લોકોનાં ટોળાં ઊમટ્યાં
પરિવાર અંબાજી દર્શને જતો હોવાનું લોકો કહી રહ્યા છે. અકસ્માત બાદ પોલીસને ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિકને કંટ્રોલ કરવો પડ્યો હતો. આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે અંદર સવાર દાદી અને બે પૌત્રી બળી જવાથી તેમનાં કમકમાટીભર્યાં મોત થયાં હતાં. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ખેરાલુના મલેકપુર પાસે 6નાં મોત થયાં હતાં
કચ્છથી હિંમતનગર જઈ રહેલા મધ્યપ્રદેશના મજૂરો ભરેલા પિક-અપ ડાલાને 12મી ફેબ્રુઆરીની મોડી રાતે 2 વાગે ખેરાલુના મલેકપુર નજીક અકસ્માત નડ્યો હતો, જેમાં બે મહિલા, એક બાળક સહિત 6 લોકોનાં મોત થયાં હતાં, જેમાં એક દંપતી હતું. જ્યારે 7 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ડાલુ હાઇવે પર પડેલા ખાડામાં પટકાયા બાદ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં 30 મીટર દૂર વૃક્ષ સાથે અથડાયું હતું, જેમાં ડાલામાં ઉપર બેઠેલા 15 મજૂરોને માથાંમાં વૃક્ષનાં ડાળાં વાગતાં નીચે પટકાયા હતા.

Download Our B K News Today App



Related News