નદીનાં કોતરમાં ભેખડ ધસી પડતાં બેનાં મોત, ટ્રેકટર ડ્રાઈવરનો બચાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-25 12:55:07
  • Views : 256
  • Modified Date : 2021-07-25 12:55:07

     ગાંધીનગર  નજીક ડભોડા પોલીસની હદમાં આવેલા વલાદ ગામ નજીકથી પસાર થતી સાબરમતી નદીમાંથી ટ્રેકટરમાં માટી ભરતી વખતે હજારો ટન માટીની ભેખડ ધસી પડતાં ગામના બે લોકોનું દટાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રેકટર ડ્રાઈવરનો આબાદ રીતે બચાવ થયો હતો.આ બનાવ બાબતે ડભોડા પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

     પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરનાં વલાદ ગામમાં ઠાકોર વાસમાં રહેતા ૪૦ વર્ષીય ભરતજી ડાહ્યાજી ઠાકોર તેમજ ગામમાં એડીસી બેંક પાસે રહેતા ૩૨ વર્ષીય મહેશભાઈ રસિકભાઈ પટેલ વલાદ ગામ નજીકથી પસાર થતી સાબરમતી નદીમાંથી માટી કાઢવા માટે ટ્રેકટર લઈને ગયા હતા. તે વખતે ટ્રેકટરના ડ્રાઈવરે નદીનાં કોતરમાં ઊંડા ખાડા સુધી ટ્રેકટર લઈ જવામાં આવ્યું હતું. બાદમાં અહીં વિશાળ માટીની ભેખડ પાસેથી માટી ભરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તે વખતે અચાનક હજારો ટન વજનની ભેખડ ટ્રેકટર પર ધસી પડી હતી જેનો ટ્રેકટરનાં ડ્રાઇવરને ખ્યાલ આવી જતાં તે થોડોક દૂર ભાગી ગયો હતો,  પરંતુ ટ્રેકટરનાં ટેલર ઉપર વિશાળ ભેખડની માટી ધસી પડતાં ભરતજી ઠાકોર અને મહેશ પટેલ નીચે દબાઈ ગયા હતા. આ ઘટના બનતા ગામમાં અને આસપાસના વિસ્તારમાં  બૂમાબૂમ થતાં ગામના સરપંચ ચીકુભાઈ સહિતનાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. શરૂઆતમાં ગ્રામજનોએ માટી ખસેડવાની કામગીરી કરી હતી. પરંતુ ભેખડની માટી વધારે માત્રામાં હોવાથી જેસીબી મશીનની મંગાવવામાં આવ્યું હતું. બાદમાં જેસીબી મશીનની મદદથી માટી દૂર કરીને ટેલરને બહાર કાઢવામાં આવ્યું હતું. અને ભરતજી અને મહેશભાઈ ને પણ મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવની જાણ ડભોડા પોલીસ મથકમાં કરવામાં આવકાં વલાદ આઉટ પોસ્ટના જમાદાર જગદીશસિંહ ચાવડા તેમજ જયેન્દ્રભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બંન્ને મૃતકોના છાલા પીએચસી કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાલમાં હાથ ધરવામાં આવી છે. ત્યારે ગામના બે લોકોના અકાળે અવસાન થતાં વલાદમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Download Our B K News Today App



Related News