દેવભૂમિ દ્વારકાના ખંભાળીયાની કરુણ ઘટના, દાંડિયારાસ રમતી 16 વર્ષની સગીરા ઢળી પડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2026-02-04 14:26:48
  • Views : 45
  • Modified Date : 2026-02-04 14:26:48

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવી એક હૃદયદ્રાવક ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે સામે આવી છે. અહીં એક પ્રસંગમાં દાંડિયારાસ રમી રહેલી 16 વર્ષની તરુણીને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતી 16 વર્ષીય સંધ્યા અરવિંદભાઇ ડાભી સોમવારે ખંભાળિયાના મોવાણ ગામે રહેતા તેના પિતાના મામાના ઘરે એક શુભ પ્રસંગમાં હાજરી આપવા માટે આવી હતી. ઘરમાં પ્રસંગ હોવાથી પરિવારના તમામ સભ્યો હર્ષોલ્લાસમાં હતા. રાત્રિના સમયે દાંડિયારાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંધ્યા પણ અન્ય સંબંધીઓ સાથે ઉત્સાહભેર રાસ રમી રહી હતી.

રાસના તાલે ઝૂમી રહેલી સંધ્યા રમતા-રમતા અચાનક બેભાન થઈને જમીન પર ઢળી પડી હતી. તેને રીતે અચાનક બેભાન થતી જોઈને હાજર રહેલા સંબંધીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. પરિવારજનોએ વિલંબ કર્યા વગર તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જોકે, વિધિની વક્રતા એવી હતી કે, હોસ્પિટલ પહોંચે તે પહેલા સંધ્યાના શ્વાસ થંભી ગયા હતા. હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ તેને 'ડેડ ડિક્લેર' કરી હતી અને મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું જણાવ્યું હતું.

ઘટના અંગે મૃતક સંધ્યાના પિતાએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી, જેના આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હજુ તો જીવનની શરૂઆત કરી રહેલી દીકરીના અકાળે અવસાનથી મોવાણ અને ગઢકા બંને ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 


Download Our B K News Today App



Related News