કોડીનારની શિંગોડા નદીમાં ડૂબી જવાથી બે બાળકોનાં કરુણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-19 17:56:18
  • Views : 51
  • Modified Date : 2025-05-19 17:56:18

 કોડીનાર શહેરમાં પસાર થતી શિંગોડા નદીમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત નિપજ્યા હતા. આ ઘટના કોડીનાર મામલતદાર કચેરીની પાછળના ભાગે બની હતી, જ્યાં એક બાળક ડૂબી રહ્યું હતું અને તેને બચાવવાના પ્રયાસમાં બીજું બાળક પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. બંને મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.

પ્રાથમિક માહિતી અનુસાર, કોડીનારમાં મામલતદાર કચેરી પાછળ શિંગોડા નદીમાં આજે બપોરના અરસામાં ઈસ્માઈલ નામનો વર્ષીય બાળક ન્હાતી વખતે ડૂબવા લાગ્યો હતો. તેને જોઈને ૧૬ વર્ષીય શમશેરઅલી રહેમાનઅલી બચાવવા માટે નદીમાં કૂદ્યો હતો. પરંતુ કમનસીબે બંને બાળકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. 

સ્થાનિકોએ બંને બાળકોને બહાર કાઢી તાત્કાલિક કોડીનારની સરકારી હોસ્પિટલ પહોંચાડયા હતા, પરંતુ ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક બાળકોના નામ ઈસ્લામ ભૂરા સોરઠીયા (ઉંમર વર્ષ) અને જલાલી શમશેરઅલી રેહમાનઅલી (ઉંમર ૧૬ વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે બંને પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામું કરી બંનેના મૃતદેહોને પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પરિવારજનોની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર નદી-તળાવો નજીક બાળકોની સુરક્ષાનો મુદ્દો ઉભો કર્યો છે અને વાલીઓને બાળકોને આવા જોખમી સ્થળોથી દૂર રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News