દેવળિયા પાર્કમાં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકશે, જૂનાગઢનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય આજથી ખુલ્લું મુકાયું, 10 વર્ષથી નીચેનાં અને 65 વર્ષથી ઉપરનાને પ્રવેશ નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 11:52:01
  • Views : 613
  • Modified Date : 2020-10-01 11:52:01

    આજથી સૌરાષ્ટ્રનાં પ્રાણી ઉદ્યાનો અનલોક થઈ ગયાં છે. લોકડાઉનના સમયથી બંધ રહેલા અને સાસણગીરમાં આવેલા દેવળિયા પાર્કમાં પ્રવાસીઓ આજથી સિંહદર્શન કરી શકશે. આ સાથે જ જૂનાગઢમાં આવેલું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય પણ આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. કોવિડની ગાઇડલાઈન્સ પ્રમાણે જ પ્રાણી ઉદ્યાનોમાં પ્રવેશ આપવામાં આવશે. હાલ ગીર અભયારણ્ય, સાસણગીર અને દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ માટે ઓનલાઇન પરમિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે. પ્રવાસીઓ વેબસાઇટ પરથી જ પરમિટ બુક કરી શકાશે. પ્રવાસીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવતી માર્ગદર્શિકાઓનું પણ પાલન કરવાનું રહેશે.

આ નિયમોનું પાલન ફરજિયાત

  • 10 વર્ષથી નીચેનાં અને 65 વર્ષથી ઉપરનાને પ્રવેશ નહીં.
  • થર્મલ ગનથી ચેકિંગ, સેનિટાઇઝ બાદ પ્રવેશ અપાશે.
  • માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
  • માસ્ક ન પહેરનાર અથવા માસ્ક કાઢનાર પાસેથી દંડ વસૂલાશે.
  • આજથી જૂનાગઢ સક્કરબાગ અનલોક
    જૂનાગઢનું દોઢસો વર્ષ કરતાં જૂનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય આજથી ફરીથી ખૂલી ગયું છે. કોરોના મહામારીને કારણે માર્ચથી બંધ રહેલું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખોલતાં પહેલાં તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ઝૂની અંદર સાફસફાઈ કરવામાં આવી છે તેમજ પાંજરાંને પણ સેનિટાઇઝ કરવામાં આવ્યાં છે. જ્યારે એક દિવસમાં માત્ર 500 મુલાકાતીને જ પ્રવેશ આપવામાં આવશે. અંદર પ્રવેશનારા તમામ મુલાકાતીઓ માટે ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે, જેમાં દો ગજકી દૂરી, માસ્ક ફરજિયાત સહિતના નિયમોનું પણ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

    ગાઇડલાઇન્સ પ્રમાણે દેવાળિયા પાર્કમાં મુસાફરોને પ્રવેશ
    કોરોનાની મહામારીને કારણે બંધ કરવામાં આવેલો દેવળિયા સફારી પાર્ક આજથી ફરીવાર શરૂ થયો. છેલ્લા 7 મહિનાથી દેવળિયા પાર્કમાં સિંહદર્શન બંધ કરવામાં આવ્યું હતું. પાર્ક શરૂ થતાં તંત્ર દ્વારા કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સફારીમાં સિંહદર્શન માટે બસમાં માત્ર 15 મુસાફરને લઈ જવામાં આવશે. 60 વર્ષથી ઉપરના અને 10 વર્ષથી નીચેનાં બાળકો માટે દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આ સાથે જ બેંચ પર મુસાફરોને બેસવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

    પ્રવાસન અર્થતંત્ર ફરી જીવંત થવાની આશા જાગી
    જૂનાગઢનું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય અને દેવળિયા પાર્ક આજથી શરૂ થતાં પ્રવાસન અર્થતંત્ર ફરી જીવંત થવાની આશા જાગી છે. માત્ર ગીરમાં જ દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વન વિભાગ અને સરકારને દર મહિને ગીરમાંથી એક કરોડની આવક થાય છે, ત્યારે છેલ્લા છ મહિનાથી બંધ પડેલા ગીરને લઈને ક્યાંક વન વિભાગ અને સરકારને પણ નુકસાની વેઠવી પડે છે. ત્યારે આજથી સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય અને દેવળિયા પાર્ક લોકો માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં છે.

Download Our B K News Today App



Related News