કાલે જલારામ બાપાની 221મી જન્મ જંયતી, છેલ્લા 12 વર્ષથી સુરતથી વીરપુર પગપાળા આવતો સંઘ આજે 16માં દિવસે વીરપુર પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-20 14:23:56
  • Views : 408
  • Modified Date : 2020-11-20 14:23:56

              આવતીકાલે જલારામ બાપાની 221મી જન્મ જયંતી છે. ત્યારે છેલ્લા 12 વર્ષથી સુરતથી વીરપુર પગપાળા આવતો સંઘ આજે 16માં દિવસે વીરપુર આવી પહોંચ્યો છે. કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. ત્યારે કોરોના સમગ્ર વિશ્વમાંથી દૂર થાય તેવી પ્રાર્થના આ સંઘે કરી હતી.જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય જલારામ બાપાની શનિવારના રોજ 221મી જન્મ જયંતી છે. ગયા વર્ષે બાપાના અન્નક્ષેત્રને 200 વર્ષ થતાં અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. ચાલુ વર્ષે કોરોના મહામારી હોવાથી પૂજ્ય બાપની જન્મ જયંતી સાદાઈથી ઉજવવામાં આવશે. દર વર્ષે બાપની જન્મ જયંતી નિમિત્તે બાપામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી વાહનો મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચતા હોય છે. જેમાં છેલ્લા 12 વર્ષથી સુરતના ગભેણી ગામેથી પગપાળા આવતો સંઘ આજે આવી પહોંચ્યો હતો.આ સંઘના બીપીનભાઈ મોદીએ જણાવ્યું હતું કે તેઓ 100 મહિલા-પુરુષોનો સંઘ લઈને દિવાળી પહેલા 7 તારીખે નીકળ્યા હતાં. નીકળતા પૂર્વે તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને સેનેટાઇઝર, માસ્ક સાથે લઈને તેમજ સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરતા નીકળ્યા છીએ. બાપામાં અતૂટ શ્રદ્ધા પણ કોરોનાથી પણ સાવચેતી રાખીને દિવાળીની પણ રસ્તામાં ઉજવણી કરીને આજે 16 દિવસે વીરપુર આવી પહોંચી ગયા છીએ. ગામના પ્રવેશદ્વારે જ આ સંઘ દ્વારા પુજા અર્ચના કરી બાપાના ભજન કરતા કરતા બાપાની સમાધિ સ્થળે તેમજ મંદિરે પહોંચી દર્શન કરી નવું વર્ષ કોરોના મુક્ત બને અને સમગ્ર વિશ્વનું આરોગ્ય સારૂ રહે તેવી પ્રાર્થના કરી હતી.

Download Our B K News Today App



Related News