ડીસા મામલતદાર કચેરીમાં હોબાળો મચાવનાર ટોળા સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-05 11:09:01
  • Views : 469
  • Modified Date : 2020-04-05 11:09:01

ડીસા મામલતદાર કચેરી ખાતે શુક્રવારે રેશનકાર્ડમાં સિક્કા માટે આવેલ કાર્ડ ધારકોએ લોકડાઉન દરમિયાન સોશિયલ ડીસ્ટન્સ ન જાળવી  અને જાહેરનામાનો ભંગ કરી હોબાળો  કરવા બદલ ડીસાના પુરવઠા નાયબ મામલતદારે ૧૫ થી ૨૦ મહિલા પુરૂષોના ટોળા સામે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ગુજરાત સરકાર દ્વારા બીપીએલ અને અંત્યોદય રેશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનો ઉપર હાલમાં રાશનનું વિતરણ ચાલી રહ્યું છે. ત્યારે કેટલાંક રેશનકાર્ડ ધારકોને રાશનનો પુરવઠો ન મળતાં શુક્રવારે ડીસા મામલતદાર કચેરી ખાતે રેશનકાર્ડમાં સિક્કા કરાવવા માટે ઉમટી પડયા હતા. જોકે વહીવટી તંત્ર દ્વારા સંતોષકારક જવાબ ન મળતા રોષે ભરાયેલા મહિલા પુરુષોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે ડીસા શહેર ઉત્તર પીઆઇ જયેન્દ્રસિંહ ચૌહાણે મામલતદાર કચેરી ખાતે દોડી આવી રેશનકાર્ડ ધારકોને સમજાવી રવાના કર્યા હતા. જો કે, હાલમાં કોરોનાનો ચેપ ચાલી રહ્યો હોવા છતાં ટોળાએ આ ચેપ વધુ ફેલાય તે રીતે મામલતદાર કચેરીમાં એકત્ર થઇ સોશિયલ ડીસ્ટન્સ ન જાળવી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ નાયબ મામલતદાર (પુરવઠા) દિનેશચંદ્ર બાબુલાલ મોદીએ ડીસા શહેર ઉતર પોલીસ મથકે બચુભાઇ રાયચંદભાઇ ઠકકર (જયંતનગર, ડીસા), ઇકબાલભાઇ સમશેરભાઇ
પઠાણ (મીરા મહોલ્લા, ડીસા), નટુભાઇ ચમનભાઇ માળી (ઢાળવાસ, જુનાડીસા), અયુબભાઇ નુરમહંમદ કુરેશી (મીરા મહોલ્લા, ડીસા) અને વિપુલભાઇ બંસીલાલ મોદી (ચાવડીવાસ, ડીસા) સહિત ૨૦ ના ટોળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હે.કો. ભરતસિંહ
પરમાર ચલાવી રહ્યા છે.
જોકે વહીવટી તંત્ર ટોળા સામે જ્યારે હવે ફરિયાદ નોંધાવી રહ્યું છે ત્યારે મામલતદાર કચેરી ખાતે આવી રહેલ એકલદોકલ લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હોત તો ટોળું એકઠું ન થતા અને ફરિયાદ નોંધાવવાનો વારો ન આવત. પણ જ્યારે વહીવટી તંત્ર યોગ્ય જવાબ ન આપતા અને ખુલાસો કરી ન શકતા ટોળું ભેગુ થયું હતું. જોકે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા જેવો ઘાટ તંત્રએે સર્જ્યો છે.

Download Our B K News Today App



Related News