આજે ડાકોરમાં રણછોડજીના દર્શન ઓનલાઇન કરવા પડશે, શ્રીજીના મંદિરના મુખ્ય દ્વાર નહીં ખુલે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-30 11:26:33
  • Views : 278
  • Modified Date : 2020-11-30 11:26:33

    ડાકોરની ભૂમિ જેમના આગમનથી પાવન થઇ તે ભગવાન રણછોડરાયજીના દર્શનાર્થે કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વે 4 લાખની વધુ દર્શનાર્થીઓ ઉમટી પડતાં હતા. ભગવાન ભક્તની ભક્તિને વશ થઇને ડાકોર આવી પહોંચ્યા હતા તે પાવન દિવસની ડાકોરમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવતી હતી. જોકે, ચાલુ વર્ષે કોરોનાને કારણે મંદિરના દ્વાર પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાથી ભક્તો શ્રીજી દર્શનથી વિમુખ રહેશે. ડાકોરમાં ભક્ત બોડાણાની ભક્તિને વશ થઇને શ્રીજી મહારાજ તેમની સાથે ડાકોર આવી પહોંચ્યા હતા, તે પાવન દિવસ એટલે કાર્તિકી પૂર્ણિમા. દરસાલ જિલ્લા અને રાજ્યભરમાંથી 4 લાખથી વધુ દર્શનાર્થીઓ આ પાવન દિવસે ડાકોર આવી, શ્રીજીના અલૌકિક દર્શનનો લ્હાવો લઇને ધન્યતા અનુભવતા હતા.

    જય રણછોડના ગગનભેદી ગુંજારવ સાથે ડાકોર મંદિર અને ડાકોરની ગલીઓ ગુંજી ઉઠતી હતી. જોકે, આ વર્ષે મંદિર પ્રશાસન દ્વારા કોરોના સંક્રમણની ગંભીરતાને ધ્યાનમાં લઇને મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિરના મુખ્ય દ્વાર જ પૂનમના દિવસે ઉઘાડવામાં નહીં આવે, જેને લઇને પાવન દિવસે દર્શનાર્થીઓ શ્રીજીના દર્શનથી વિમુખ રહેશે. પૂનમને દિવસે શ્રીજીના દર્શનનો લ્હાવો ન મળવાનો હોવાથી રવિવારે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ડાકોર પહોંચી ગયા હતા અને ચૌદશે જ શ્રીજીના અલૌકિક દર્શન કરીને ધન્ય થયા હતા.

    ડાકોરમાં દેવ દિવાળીના પાવન પર્વે મંદિર પરિસરમાં આવેલી દિપ માળાને પ્રજ્વલિત કરવામાં આવશે. શ્રધ્ધાળુઓની ઉપસ્થિતી વગર જ બંધ બારણે દેવ દિવાળી ઉત્સવ ઉજવાશે. દરસાલ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ સાંજના સમયે પ્રજ્વલિત થતી દિપમાળાના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા. દેવ દિવાળીના પાવન પર્વે ભગવાન રણછોડરાય વિશિષ્ટ શણગાર ધારણ કરશે. વસ્ત્ર ઉપરાંત શ્રીજી મોટો મુગટ ધારણ કરશે. જોકે, શ્રધ્ધાળુઓ શ્રીજીના આ શૃંગાર દર્શન પ્રત્યક્ષ નહીં કરી શકે. પ્રભુને પરંપરા અનુસાર ભોગ ધરાવવામાં આવશે.

Download Our B K News Today App



Related News