હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશન સહિત રાજયના તમામ બાર એસોસીએશનમાં 30% મહિલા અનામત રાખવા સુપ્રીમનો આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-14 18:18:02
  • Views : 39
  • Modified Date : 2025-05-14 18:18:02

અમદાવાદ
સુપ્રીમકોર્ટે એક મહત્ત્વના આદેશ મારફતે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસીએશન સહિત રાજયના તમામ બાર એસોસીએશનમાં કારોબારી સમિતિમાં મહિલા વકીલો માટે 30 ટકા અનામત રાખવા હુકમ કર્યો છે. સાથે સાથે તમામ બાર એસોસીએશનમાં ખજાનચીના મહત્ત્વનું પદ પણ મહિલા વકીલ માટે જ અનામત રાખવા પણ હુકમ કર્યો છે.

સુપ્રીમકોર્ટના જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન.કોટિશ્વરસિંહની ખંડપીઠે ગુજરાતના વિવિધ બાર એસોસીએશન અને ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીઓમાં મહિલા વકીલો માટે 33 ટકા અનામત રાખવા માંગણી કરતી પિટિશનમાં આ હુકમ જારી કર્યો હતો. 

જો કે, ગુજરાત બાર કાઉન્સીલ અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયામાં મહિલાઓ માટે 33 ટકા અનામતના મામલે પાછળથી વિચારણા કરવાનું જણાવી સુપ્રીમકોર્ટે આ પિટિશનનો નિકાલ કર્યો હતો.

કેસની વિગતો મુજબ ગુજરાત હાઇકોર્ટની મહિલા વકીલ દ્વારા સુપ્રીમકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં એ મતલબના મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા કે, ગુજરાત રાજયના વિવિધ બાર એસોસીએશન અને ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીઓમાં મહિલાઓ માટે યોગ્ય કે પૂરતી અનામત રાખવામાં આવતી નથી.

ખરેખર બંધારણમાં મહિલાઓને પણ સમાન અધિકાર આપવામાં આવ્યા છે તેમ છતાં મહિલાઓ પરત્વે ઉપેક્ષાભર્યુ વલણ દાખવવામાં આવે છે અને તેઓને સુપ્રીમકોર્ટના સંબંધિત ચુકાદા મુજબ, 33 ટકા અનામતની જોગવાઇનો લાભ અપાતો નથી., તેના કારણે મહિલા વકલોને ભારોભાર અન્યાય થઇ રહ્યો છે. 

વળી, વિવિધ બાર એસોસીએશન અને બાર કાઉન્સીલમાં મહિલાઓ માટે અનામત નહી રાખવાથી ભારતના બંધારણની કલમ-14,15 અને 16નો પણ ભંગ થાય છે. ખાસ કરીને મહિલાઓ પ્રત્યેના તમામ પ્રકારના ભેદભાવ દૂર કરવાના પ્રયાસો થાય તે જરૃરી છે. બીજીબાજુ, ગુજરાત રાજયમાં મહિલા વકીલોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અને તેઓ એડવોકેટ તરીકે નોંધણી કરાવી આગળ આવી રહી છે.

ત્યારે વિવિધ બાર એસોસીએશન અને ગુજરાત બાર કાઉન્સીલમાં જુદા જુદા હોદ્દાઓ પર મહિલાઓનું પ્રતિનિધિત્વ નહીવત્ છે. આ અસમાનતા ખાસ કરીને યુવા મહિલા વકીલોને મોટી અસર કરે છે કારણ કે, મહિલા વકીલ કે પ્રેકટીશનરો માટેના ચોક્કસ મુદ્દાઓ કે, સમસ્યાઓ પરત્વે નિર્ણય લેતી વખતે મહિલા પ્રતિનિધિઓ જ સારી રીતે તેને સમજી શકે અને ન્યાય આપી શકે છે. 

પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં પણ સ્ત્રીઓને પુરૃષોની સમાન ગણવામાં આવી છે અને સમાજમાં તેમનું સન્માન અને આદર કરવામાં આવતો હતો. લિંગ આધારિત ભેદભાવનો સામનો કરવાને બદલે સ્ત્રીઓની ઉજવણી અને આદરણીયતા કરવામાં આવતા હતા. મહિલાઓ પ્રત્યે ઉંડો આદર અને માન એ ભારતીય પરંપરામાં સમાયેલો છે.

ધાર્મિક અને સાંસ્કૃતિક ગ્રંથોમાં પણ તે પ્રતિબિંબિત થાય છે કે જયાં મહિલાઓને દેવી તરીકે પૂજવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે સુપ્રીમકોર્ટ બાર એસોસીએશન, દિલ્હી, કર્ણાટક, બેગ્લુરુ સહિતના બાર એસોસીએશનના કેસમાં મહિલા વકીલો માટે અનામત રાખવા અંગેના હુકમો જારી કરેલા છે. તેથી ગુજરાત રાજયના કિસ્સામાં પણ મહિલા વકીલો માટે પૂરતી, યોગ્ય અને વાજબી અનામત રાખવામાં આવે તે અનિવાર્ય છે.

Download Our B K News Today App



Related News