ક્રિશ્ચિયનોને આકર્ષવા આરએસએસ દ્વારા પ્રથમવાર દિલ્હીમાં ક્રિસમસ ડિનરનું આયોજન કરાયું

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-24 16:10:07
  • Views : 443
  • Modified Date : 2022-12-24 16:10:07

સંઘ પરિવાર ખ્રિસ્તી સમુદાયને જોડવાના પ્રયાસો કરી રહ્યું છે. હવે પહેલીવાર કેન્દ્રીય લઘુમતી બાબતોના રાજ્યમંત્રી જોન બાર્લા શુક્રવારે દિલ્હીના મેઘાલય હાઉસમાં ક્રિસમસ ડિનરનું આયોજન કરશે. RSS સાથે જોડાયેલા નેશનલ ક્રિશ્ચિયન ફોરમના આ કાર્યક્રમમાં જમ્મુ-કાશ્મીરથી કેરળ સુધીના ચર્ચના વડાઓ ભાગ લેશે. આરએસએસના વરિષ્ઠ નેતા ઈન્દ્રેશ કુમાર પણ આ કાર્યક્રમમાં હાજરી આપે એવી શક્યતા છે.

આવું પહેલીવાર થશે, જ્યારે રાષ્ટ્રીય ખ્રિસ્તી મંચની તરફથી ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના ચર્ચ પ્રમુખોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, જ્યાં છેલ્લા થોડા સમયથી પાદરીઓ, ચર્ચો અને ખ્રિસ્તીઓના અમુક સંસ્થાઓમાં હુમલાની ઘટનાઓ સામે આવી છે.

ભાજપના નેતાઓ માને છે કે ચર્ચ અને ચર્ચના વડાઓએ પણ રાજકીય રીતે તટસ્થ રહેવું જોઈએ. ખ્રિસ્તી સમુદાયનું એમ પણ કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી વખત મોટી જીત પછી RSS અનેBJP સાથે અંતર રાખવું યોગ્ય નથી. RSS પરિવારે ચર્ચના વડાઓને વોટ બેંકની રાજનીતિનો હિસ્સો ન બનવા જણાવ્યું છે.

જમ્મુ-કાશ્મીરના ખ્રિસ્તી પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી વસતિને ધ્યાનમાં રાખીને તેને RSSનો મોટો રાજકીય દાવ પણ માનવામાં આવી રહ્યો છે. 2011ની વસતિ ગણતરીના આંકડા પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં અંદાજે 1.25 કરોડની વસતિમાં અંદાજે 36 હજાર ખ્રિસ્તીઓ છે.

કેરળની 3.5 કરોડની વસતિમાંથી લગભગ 18% ખ્રિસ્તી મતદારો છે. ભાજપ આ રાજ્યમાં પોતાનો દબદબો વધારવાનો પ્રયાસ કરી રહી છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અહીં 11.3 ટકા વોટ મળ્યા હતા. જ્યારે 2016ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને 10.53 ટકા વોટ મળ્યા હતા.

પૂર્વોત્તરમાં આવેલા મેઘાલય, નાગાલેન્ડ અ મિઝોરમ જેવા રાજ્યોમાં 70% વસતિ ખ્રિસ્તીઓની છે. આ રાજ્યોમાં ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પૂર્વોત્તરની ધર્મસભાઓમાં તેમના ભાષણમાં ખ્રિસ્તી નેતા પોપ ફ્રાન્સિસની ભારતની પ્રસ્તાવિત મુલાકાતનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

Download Our B K News Today App



Related News