સુઇગામના રડોસણ-મેઘપુરાની સીમમાં તીડનો ફરી આતંક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 10:51:55
  • Views : 554
  • Modified Date : 2019-07-19 10:51:55

સરહદી વાવ, સુઇગામ તાલુકામાં છેલ્લાં કેટલાંય સમયથી તીડનો આતંક હોઈ ખેડૂતો ચિંતિત છે. શરૂઆતમાં તીડ નિયંત્રણ ટીમ દ્વારા દવા છંટકાવ કરી તીડનો નાશ કરાયો પરંતુ ઈંડામાંથી સેંકડોની સંખ્યામાં તીડના બચ્ચાં નીકળતાં ફરીથી સરહદી વિસ્તારમાં તીડનું આક્રમણ શરૂ થતાં ખેડૂતોએ જવાબદાર ખેતીવાડી વિભાગને જાણ કરવા છતાં કોઈ ધ્યાન ન આપતાં અને ખેડૂતો ઉપર જવાબદારી થોપી દેતાં રડોસણ-મેઘપુરાના ખેડૂતોએ સ્વ-ખર્ચે ખેતીપાકો બચાવવા દવા છાંટવાની નોબત ઉભી થઇ છે. જેને લઈ ખેડૂતોમાં ખેતીવાડી તંત્ર વિરુદ્ધ રોષ સાથે કચવાટની લાગણી જન્મી છે.
વાવ,સુઇગામ તાલુકાના સરહદી ગામોમાં છેલ્લા ૨૫ દિવસથી તીડનો આતંક જોવા મળતાં તીડ નિયંત્રણ ટીમ અને ખેતીવાડી વિભાગ દ્વારા આ અંગે સર્વે કરી દવા છંટકાવ કરી મોટા ભાગના તીડના ટોળાનો નાશ કરાયો હતો. સરહદી સુઇગામ તાલુકાના રડોસણ,મેઘપુરા, સુઇગામ જલોયા વિગેરે ગામોની સીમમાં ફરીથી ખેતરોમાં પાકને નુકશાન કરવાનું શરૂ કરતાં ખેડૂતોએ ખેતીવાડી અધિકારીઓને વારંવાર જાણ કરવા છતાં તીડના ટોળાનો નાશ કરવા કોઈ કાર્યવાહી કરી ન હતી. જેને લઈ ખેડૂતોએ પોતાનો પાક બચાવવા જાતે જ સ્વ-ખર્ચે દવા લાવી પોતાના ખેતરોમાં તીડ નાશક દવાનો છંટકાવ કરી રહ્યા છે. જેને લઈ સરપંચે ખેડૂતોની રજુઆતને પગલે સ્થાનિક મીડિયાને જાણ કરતાં મીડિયા કર્મીઓએ સ્થળ પર જઈ ખેડૂતોને નુકશાન કરવા તીડના ટોળાંનો ઉપદ્રવ નજરે નિહાળ્યો હતો. જ્યારે મીડિયા કર્મીઓ તીડથી પ્રભાવિત વિસ્તારમાં હોવાની જાણ મળતાં બ.કાં. જિલ્લા ખેતીવાડી અધિકારી પી.કે.પટેલ,ખેતીવાડી નિયામક પી.ડી.રાઠોડ મહેસાણા સહિતની ટીમ તીડથી પ્રભાવિત રડોસણ મેઘપુરાની સીમમાં દોડી આવ્યા હતા. આ અંગે મીડિયા કર્મીઓએ પૃચ્છા કરતાં ખેતીવાડી નિયામકે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. જોકે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતોને કહ્યું કે પોતપોતાના ખેતરમાં ખેડૂતોએ જાતે જ દવા છાંટવી પડે, અમારી પાસે પૂરતો સ્ટાફ નથી. જેથી બધી જગ્યાએ પહોંચી ના વળાય.
અત્રે ઉલ્લેખનીય છે કે સરહદી ગામોમાં જ્યાં તીડનો આતંક હતો. ત્યાં ફરીથી નાના બચ્ચાઓનો સેંકડોની સંખ્યામાં આતંક જોવા મળતાં ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે,અને આવી વિષમ મુસીબતમાં ખેતીવાડી વિભાગ સાવ નિષ્ક્રિય હોય તેવું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. આ અંગે સરપંચ સ્વરાજજી ચૌહાણે જણાવ્યું કે ખેતીવાડી અધિકારીઓને ફોન કરીએ તો વ્યવસ્થિત જવાબ મળતો નથી. ખેડૂતો તીડના ઉપદ્રવથી ત્રાહિમામ થઈ ગયા છે, ત્યારે હાલ ખેડૂતોની અવદશા દુષ્કાળમાં અધિક માસ જેવી થઈ છે.


Download Our B K News Today App



Related News