આખા પરિવારને કોરોના થાય અને ઘરમાં કોઈનું મૃત્યું થાય તો કાંધ આપવા સગાંઓ પણ નથી ફરકતા, પૈસા આપીને કાંધિયા લાવવા પડે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-25 13:18:41
  • Views : 612
  • Modified Date : 2021-04-25 13:18:41

    કોરોનાની આ મહામારીએ અમદાવાદમાં રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. રોજના નવા કેસનો આંકડો 5000ને પાર કરી ગયો છે. શહેરના ઘણા ઘરોમાં એક વ્યક્તિના સંક્રમિત થયા બાદ આખો પરિવાર કોરોનાગ્રસ્ત થતો હોવાના મામલા સામે આવી રહ્યા છે. એવામાં ગંભીર દર્દી માટે હોમક્વોરન્ટાઈન કોરોનાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલથી લઈને દવાઓ લાવવા સુધીના ધક્કા કરવા પડતા હોય છે. સ્થિતિ એવી થઈ છે કે જો ઘરમાંથી કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો કાંધ આપવા માટે પણ સગાં નથી આવતા. પરિણામે પૈસા આપીને કાંધિયા રાખવા પડી રહ્યા છે.

    શહેરના થલતેજમાં આવેલા સ્મશાનમાં એક મહિલાનું મૃત્યુ થતા શબવાહિનીમાં મૃતદેહની અંતિમક્રિયા કરવા પતિ અને દીકરી બે લોકો જ આવ્યા હતા. આવા સંકટના સમયે કોરોનાના સંક્રમણથી સ્વજનો પણ આવતા ગભરાય છે. એવામાં કોઈના ખભે માથું મૂકીને રડી શકાય તેવા સ્વજનો પણ સાથે ન હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં અન્ય સ્વજનો કોરોનાગ્રસ્ત હોવાથી શરીરમાં નબળાઈના લીધે કાંધ આપી શકે તેવી પણ સ્થિતિમાં ન હોવાથી પૈસા આપીને કાંધિયા બોલાવવા પડે તેવા મામલા પણ સામે આવી રહ્યા છે.

​​​​​​​    બીજી તરફ ઘરમાં એક સાથે બધા સભ્યો કોરોના સંક્રમિત આવતા જો કોઈ એકની સ્થિતિ બગડે તો કોરોના સંક્રમિત હોમ ક્વોરન્ટીન દર્દીને નિયમ તોડીને તેના માટે દોડા-દોડ કરવી પડતી હોય છે. એવામાં તેમની સ્થિતિ પણ ગંભીર થઈ શકે છે, સાથે અન્ય લોકોમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેતું હોય છે.

​​​​​​​    એપ્રિલમાં આવેલી કોરોનાની બીજી લહેર શહેર માટે ઘાતક પૂરવાર થઈ છે. પહેલી લહેરમાં સૌથી વધુ રોજિંદા કેસ 21 નવેમ્બરે 354 હતા. જ્યારે બીજી લહેરમાં શનિવારે નોંધાયા 5617 કેસ પહેલી લહેરના દૈનિક હાઈએસ્ટ કેસ કરતાં 16 ગણા વધુ છે.છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ 25 દર્દીના મૃત્યુ પણ થયા હતા. શહેરમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયાને 13 મહિનાથી વધુ સમયમાં કુલ 1,27,708 કેસ આવ્યા છે. જેમાં એપ્રિલના 24 દિવસમાં 58,912 એટલે કે કુલ કેસના 46 ટકા આવ્યા છે. લાંબા સમય પછી વિવિધ હોસ્પિટલોમાંથી 1585 દર્દીને રજા અપાઈ હતી. આજે પણ શહેરમાં અંદાજે 40 હજાર એક્ટિવ કેસ છે. ખાનગી હોસ્પિટલોમાં 5 આઈસીયુ અને 5 વેન્ટિલેટર બેડ ખાલી છે. દરમિયાન આઈઆઈએમમાં મ્યુનિ. શનિવારે વધુ 104ના ટેસ્ટ કર્યા હતા. જેમાંથી 15 પોઝિટિવ આવ્યા હતા. સંસ્થામાં પોઝિટિવનો કુલ આંક 402 થયો છે.


Download Our B K News Today App



Related News