દર વર્ષે રથયાત્રામાં ભક્તોને અપાતા મગના પ્રસાદ પાછળ રહેલું છે ચોંકાવનારું રહસ્ય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-20 16:42:09
  • Views : 97
  • Modified Date : 2023-06-20 16:42:09

દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે. ભગવાન આજે 72 વર્ષ બાદ નવા રથ પર બિરાજમાન થયા છે. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર બિરાજમાન થયા છે. બહેન સુભુદ્રાજી દવલદન રથ પર બિરાજમાન થયા છે. જ્યારે ભાઈ બલરામ તાલધ્વજ રથ પર બિરાજમાન થયા છે. રથયાત્રા અત્યારે સરસપુર નજીક પહોંચી છે. ભગવાનની રથયાત્રામાં ભક્તોને કાંકડી, જાંબુ અને મગનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. શું તમે એ જાણો છો કે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મગનો જ પ્રસાદ કેમ હોય છે? આવો આજે આપને જણાવીએ ત્રણેય ભાઈ-બહેન (જગન્નાથજી, બલરામજી, સુભદ્રાજી) મોસાળમાં હતા આ સમયે તેઓએ મામાના ઘરે ખૂબ કેરી અને જાંબુ ખાઈ લીધા હતા. આ પછી તેના કારણે ભગવાન જગન્નાથને આંખો આવી અને તેના કારણે તેમને પાટા બાંધીને ઘરે લાવવામાં આવે છે. આ સમયે ભગવાનને મગ ખવડાવવામાં આવે છે. જેથી તેમની આંખોને થોડી ઠંડક મળી રહે. આ સાથે અન્ય વાત એવી પણ જોડાયેલી છે કે મગ શરીરને તાકાત આપનારું ધાન માનવામાં આવે છે. રથયાત્રા પગપાળા કરવાની હોય છે અને રૂટ પણ લાંબો હોય છે. આ સમયે પગપાળા ભક્તો થાકી જતા હોય છે.રથ ખેંચનારા ખલાસીઓ અને સાથે પદયાત્રીઓ માટે મગનો પ્રસાદ શક્તિવર્ધક માનવામાં આવે છે. મગના પ્રસાદથી ભક્તો થાક ઓછો અનુભવે છે. વર્ષોથી મગની સાથે સૂકા મેવાની ખીચડી પણ પ્રસાદમાં આપવામાં આવે છે. ભગવાનને બ્રહ્મ મુહૂર્તમાં ખીચડીનો પ્રસાદ ધરાવાય છે અને પછી આ તમામ ચીજો ફણગાવેલા મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ વહેચવામાં આવે છે. આ સિવાય આ ખાસ દિવસે માલપુઆ, ગાંઠિયા તથા બુંદીનો પ્રસાદ પ્રભુને પ્રિય હોવાથી તેને પણ ધરાવવામાં આવે છે.અષાઢી બીજ એ ચોમાસાના આરંભનો સમય છે. આ સમય દરમિયાન આંખને અસર કરતાં જીવાણુઓ બહોળા પ્રમાણમાં હોય છે. આંખનો ચેપ મેડિકલ સાયન્સમાં કન્જક્ટિવાઈટિસ તરીકે ઓળખાય છે. પ્રાચીન સમયમાં પણ આ રોગની અને તેના નિરાકરણની સ્પષ્ટ ઓળખ હશે એવું રથયાત્રાની પરંપરાના આધારે માની શકાય. કારણ કે, પુરાણોની કથામાં સ્વયં ભગવાનને પણ આંખનો રોગ થયો હોવાની વાત છે અને રથયાત્રાના પ્રસાદમાં પણ મગ અને જાંબુ આપવામાં આવે છે, જે સાધારણ રીતે અપાતાં પ્રસાદ કરતાં અલગ અને વિશિષ્ટ છે. આયુર્વેદ મુજબ મગ અને જાંબુ આંખની રક્તશુદ્ધિ માટે નૈસર્ગિક રીતે ખૂબ ગુણકારી છે.


 

 

Download Our B K News Today App



Related News