અમદાવાદમાં સિવિલ કેમ્પસની કોવિડ હોસ્પિટલમાં કુલ 840 દર્દીઓ દાખલ, ખાનગી કોવિડ હોસ્પિટલમાં 75 ટકા બેડ ભરાઈ ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-05 15:41:56
  • Views : 218
  • Modified Date : 2021-04-05 15:41:56

    અમદાવાદમાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. શહેરમાં સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં હાલમાં 840 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં 75 ટકાથી વધુ બેડ ભરાઈ ગયા છે. જ્યાં હાલમાં 78 ટકા દર્દીઓ ICU વિથ વેન્ટિલેટરના બેડ પર સારવાર લઈ રહ્યાં છે.

    અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધતાં હવે હોસ્પિટલો પણ હાઉસફૂલ થઈ રહી છે. અગાઉ કોરોનાના દર્દીઓને 1200 બેડની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હતાં પણ હવે કેમ્પસમાં આવેલી અન્ય હોસ્પિટલમાં પણ દર્દીઓને ખસેડવામાં આવી રહ્યાં છે. જેમાં 75 ટકા દર્દીઓને કોઈપણ સંજોગોમાં ઓક્સિજનની જરૂરિયાત છે. છેલ્લા બે સપ્તાહમાં કોરોનાના કારણે અનેક પરિવાર સંક્રમિત થઈ રહ્યાં છે. નવા સ્ટ્રેનમાં પરિવારના એક કરતાં વધુ સભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે અગાઉ માઈલ્ડ ટુ મોડરેટ દર્દીઓ આવતાં હતાં પણ હવે ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે.

    પ્રાપ્ત માહિતી પ્રમાણે 1200 બેડની હોસ્પિટલમાં 647 દર્દીઓ સારવાર હેઠળ છે. સિવિલ કેમ્પસમાં હાલમાં 12 દર્દીઓ વેન્ટિલેટર પર, 125 દર્દીઓ બાયપેપ પર, 322 દર્દીઓ ઓક્સિજન પર અને 175 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. સિવિલ કેમ્પસમાં 75 ટકા દર્દીઓને કેટલાક પ્રકારની ઓક્સિજન થેરાપી પર રાખવામાં આવ્યાં છે. 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં 920 બેડ રિઝર્વ હતા, કેસ વધતા કિડનીમાં 169 બેડ હસ્તક કર્યા હતા, કાલથી કેન્સર હોસ્પિટલમાં 30 બેડ વધુ હસ્તક કર્યા છે. ગઈકાલે ટ્રાયઝમાં 110 દર્દીઓ આવ્યા હતા, જેમાં છેલ્લા ત્રણ દિવસની સરખામણીમાં ઘટાડો થયો છે.

    અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં 75 ટકાથી વધુ બેડ ભરાઈ ગયા છે. જ્યાં હાલમાં 78 ટકા દર્દીઓ ICU વિથ વેન્ટિલેટરના બેડ પર સારવાર લઈ રહ્યાં છે. હાલની પરિસ્થિતિમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં કુલ 3390 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યાં છે. જેમાં 2530 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ કુલ 860 બેડ ખાલી છે.

    ખાનગી કોવિડ હોસ્પિટલમાં ICU વિથ વેન્ટિલેટરના 284 માંથી 220 બેડ ફૂલ થઈ ગયાં છે. જ્યારે 64 જેટલા ICU વિથ વેન્ટિલેટરના બેડ ખાલી છે. આઈસોલેશનના 1030 બેડ ફાળવવામાં આવ્યાં છે. જેમા્ં 653 દર્દીઓ સારવાર હેઠળ છે અને 377 બેડ ખાલી છે. HDUમાં 1509 બેડ ફાળવાયા છે. જેમાં 1187 બેડ પર દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. 322 બેડ હાલમાં ખાલી છે. ICU વિધાઉટ વેન્ટિલેટરના બેડની વાત કરીએ તો 567 બેડ ફાળવવામાં આવ્યાં છે. જેમાં 470 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ છે અને 97 બેડ ખાલી છે.

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા પ્રમાણે શહેરમાં માત્ર 1929 કોરોનાના એક્ટિવ કેસ છે. જ્યારે અમદાવાદની ખાનગી કોવિડ હોસ્પિટલમાં 2530, સિવિલ કેમ્પસમાં 900, SVP હોસ્પિટલમાં જ 200 દર્દીઓ સારવાર હેઠળ છે. AHNA મુજબ અંદાજે 2 હજાર જેટલા કોરોનાના દર્દીઓ હોમ કેર સુવિધા અંતર્ગત કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. હાલમાં અમદાવાદ શહેરની જુદી જુદી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને હોમ કેર સુવિધા લઈ રહેલા દર્દીઓની સંખ્યા અંદાજે 5600થી વધુ, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પ્રમાણે શહેરમાં એક્ટિવ કેસો માત્ર 1929 છે.


Download Our B K News Today App



Related News