રાજ્યનાં 4 મહાનગરમાં વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ, 60 વર્ષથી વધુ વયના લોકોની હોસ્પિટલોમાં લાઇન, અમદાવાદમાં સેશન બંધ થતાં સિનિયર સિટિઝન અટવાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-01 12:10:34
  • Views : 264
  • Modified Date : 2021-03-01 12:10:34

    આજે રાજ્યભરમાં કોરોના વેક્સિન માટેનો બીજો તબક્કો શરૂ થયો છે. જેમાં 60 વર્ષથી વધુ વયના લોકોને આજથી વેક્સિન આપવાની શરૂઆત થઈ છે. સાથે સરકારે નક્કી કરેલ કિંમતમાં પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ 250 રૂપિયામાં વેક્સિન મળશે. અમદાવાદ, સુરત, રાજકોટ તેમજ વડોદરામાં સવારથી વેક્સિન લેવા માટે અલગ-અગલ હોસ્પિટલોમાં 60 વર્ષથી વધુ વયના લોકો આવી પહોંચ્યા છે. જોકે અમદાવાદમાં સવારના 9 વાગ્યાથી વેક્સિન લેવા આવેલા સિનિયર સિટીઝન સહિત અનેક લોકો વેક્સિન માટે રાહ જોઈ રહ્યા છે ત્યારે હોસ્પિટલ તરફથી તમામને સમજાવવામાં આવી રહ્યા છે.

    શહેરના ચૂમુંડા બ્રિજ પાસે આવેલ GCS હોસ્પિટલમાં આજથી સિનિયર સિટીઝન અને અગાઉ વેક્સિન લીધી હોય તેનો બીજો ડોઝ એમ 2 તબક્કામાં વેક્સિન આપવાની શરૂઆત કરવાની હતી પરંતુ સવારથી વેક્સિન માટે આવેલા તમામ લોકોએ રાહ જોવી પડી છે કારણકે વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવવામાં આવતું સર્વર એટલે કે સેશન બંધ છે.આ સેશનમાં વેક્સિન લેનારનું નામ, ઉમર, એડ્રેસ સહિતની નોંધણી કરવામાં આવે છે પરંતુ આ સેશન બંધ હોવાથી વેક્સિન પ્રક્રિયા હાલ અટકી છે.

    અમદાવાદ કલેક્ટરે જણાવ્યું કે, અમદાવાદ રૂરલમાં આજે 61 સાઈટ પર વેક્સિન આપવામાં આવશે. અમદાવાદમાં હેલ્થકેર વર્કર્સ 8000 જેટલા હતા, જેમાં 85 ટકા વેક્સિનેશન પૂર્ણ થયું છે. અમદાવાદ રૂરલમાં 236 સેશન સાઈટ રહેશે, જ્યાં વેક્સિન મળશે. હેલ્થ વર્કર્સમાં ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય અને ખાનગી તેમજ કેન્દ્રીય કર્મીઓએ રસી લીધી છે.

    રાજકોટ જિલ્લામાં આજથી વેક્સિનેશનના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. જ્યાં સૌપ્રથમ રાજકોટ BAPSના ત્રણ સંતોએ ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લીધી હતી, સાથોસાથ રાજ્યસભાના પૂર્વ સાંસદ અભય ભારદ્વાજના પત્ની અલ્કાબેન ભારદ્વાજે પણ ખાનગી હોસ્પિટલમાં વેક્સીન લઈને ત્રીજા તબક્કાની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે સાંસદ અભય ભારદ્વાજનું નિધન કોરોનાને કારણે જ થયું હતું. હાલ રાજકોટમાં વેક્સિનેશનના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી આપવામાં આવશે, 45-59 વર્ષથી વધુની વયના ગંભીર બીમારી ધરાવતા લોકો રસી અપાશે, સરકાર દ્વારા ગંભીર બીમારીની યાદી પણ જાહેર કરવામાં આવી છે. ગંભીર બીમારી ધરાવતા આ લોકો માટે ડોક્ટરનું પ્રમાણપત્ર આવશ્યક રહેશે. આ માટે કેન્દ્ર સરકારે આ પ્રમાણપત્રનું ફોર્મેટ પણ બહાર પાડ્યું છે

    સુરતમાં આજથી સિનિયર સીટીઝનને કોરોના વેક્સિનની રસી આપવાની કામગીરીની શરૂઆત થઈ ગઈ છે. એક સિનિયર સીટીઝન દંપતિએ પ્રથમ ડોઝ લઈ રસીનો પ્રારંભ કરાવ્યો છે. મહાપાલિકાએ કરેલા સરવેમાં 45થી 60 વર્ષના કોમોર્બિડ કંન્ડિશનના 2,50,177 અને 60 વર્ષથી વધુ વયના વડિલો 2,17,795 મળી કુલ 4,67,972 લોકોના રજિસ્ટ્રેશન કરવામાં આવ્યાં હતાં. આ તમામને પાલિકાના 52 હેલ્થ સેન્ટરો, સ્મીમેર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ તથા 24 જેટલી ખાનગી હોસ્પિટલોમાં રસી આપવાની શરૂઆત થઈ છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં મહિલા સાંસદ દર્શના જરદોષે રસી મૂકાવવાની સાથે સાથે રાજકીય અગ્રણીઓ પણ રસી લઈ રહ્યાં છે. સિનિયર સિટીઝન્સ શાહ દંપતીએ એક સાથે રસી મૂકાવીને કહ્યું હતું કે, કોઈ આડઅસર થતી નથી દરેકે રસી મૂકાવવી જોઈએ.

    આજથી કોરોના રસીનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા તેની સઘન કવાયત નવેસરથી હાથ ધરવામાં આવી છે. હવે નવા એજ ગ્રૂપ 60થી વધુ વર્ષની વ્યક્તિઓ અને 45થી 60 વર્ષની વચ્ચેના કો મોર્બિડિટી ધરાવતા દર્દીઓને રસી આપવાની હોવાથી કોવિન સોફ્ટવેરમાં પણ સુધારા કરાતાં નવું વર્ઝન કોવિન-2 આવ્યું છે. આ ત્રીજા રાઉન્ડમાં દરેક સેન્ટર પર ઓછામાં ઓછી 150 રસી આપવા પર ભાર મૂકાયો છે. આજથી 6 ખાનગી હોસ્પિટલ સહિત 20 સાઇટ પર 3 હજાર જેટલા લોકોને રસી અપાશે.

- 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને રસી આપવામાં આવશે
- 45 વર્ષથી વધુની વયના ગંભીર બીમારી ધરાવતા લોકો રસી આપી શકશે.
- સરકાર દ્વારા ગંભીર બીમારીની યાદી પણ જાહેર કરવામાં આવી છે.
- ગંભીર બીમારીવાળા લોકો માટે ડોક્ટરનું પ્રમાણપત્ર આવશ્યક રહેશે
- કેન્દ્ર સરકારે આ પ્રમાણપત્રનું ફોર્મેટ પણ બહાર પાડ્યું છે- રસીના એક ડોઝ માટે 250 રૂપિયા લેવામાં આવશે.
- એમાં રૂ.150 રસીના અને 100 સર્વિસ ચાર્જ થશે.
- સરકારી હોસ્પિટલોમાં કોરોના રસી વિનામૂલ્યે આપવામાં આવશે.

Download Our B K News Today App



Related News