ધોરણ-12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : આગામી 1 જુલાઇથી યોજાશે પરીક્ષા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-26 11:40:25
  • Views : 225
  • Modified Date : 2021-05-26 11:40:25

    કોરોનાની મહામારીના વચ્ચે ધો.12ના વિદ્યાર્થીઓ માટે વર્ષે પરીક્ષાનું આયોજન કેવી રીતે કરવું તેને લઈને મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં લેવાયેલા નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી 1લી જુલાઈને ગુરૂવારથી યોજાશે. ધો.10ના રિપીટર વિદ્યાર્થીઓની પણ પરીક્ષા લેવામાં આવશે. રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં કોરોનાની SOPના ચૂસ્તપણે પાલન સાથે ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.

    સમગ્ર રાજ્યમાં 1.40 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અને 5.43 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે.તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-12ની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-19 પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-1ની 50 ગુણની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-2 વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે.

    આ જ પ્રમાણે ધોરણ-12સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ 100 ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 3 કલાકની પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશીયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર, થર્મલ ગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે એમ શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતું.

    તેમજ આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે અને જે તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા ઉપલબ્ધ હશે અને જો આવા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નહી હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે..વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ 20 વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે. એટલું જ નહીં, પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને લક્ષમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા.1/7/2021થી શરૂ થનાર પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે.

​​​​​​​

Download Our B K News Today App



Related News