રાજ્યની સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન, 6 જુન પછી કોરોનાની સ્થિતિની સમીક્ષા કરીને નવા સત્રની શરૂઆત કરાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-03 13:56:00
  • Views : 231
  • Modified Date : 2021-05-03 13:56:00

     રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન આપ્યું છે. 35 દિવસનું ઉનાળું વેકેશન 6 જૂન સુધી રહેશે ત્યાર બાદ કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરીને નવા સત્રની શરૂઆત કરવામાં આવશે. તે ઉપરાંત સ્કૂલોએ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અંગેના પરિણામ તૈયાર કરીને મોકલવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે.

     કોરોનાના કારણે વિદ્યાર્થીઓને વેકેશન મળ્યું ના હોવાને કારણે આ વખતે વહેલું વેકેશન આપવાની પણ માંગણી થઈ હતી. જેથી શિક્ષણ વિભાગ દ્વારા એકેડેમિક કેલેન્ડરમાં ફેરફાર કરી વેકેશન બાદ સ્કૂલોમાં નવા સત્રનો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે.આ વખતે કોરોનાની સ્થિતિને કારણે એપ્રિલ માસમા સ્કૂલો શરુ કરવી શક્ય ના હોવાથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ નવું શૈક્ષણિક વર્ષ 2020-21 શરુ કરવાનો નિર્ણય લીધો હતો. 6 જુન સુધી સ્કૂલોમાં ઉનાળુ વેકેશન રહેશે. ત્યાર બાદ સાતમી જૂનથી કોરોનાની સ્થિતિની સમિક્ષા કરીને નવું સત્ર શરુ કરવાની તૈયારી કરાશે.

      રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 અને 11માં પ્રથમ કસોટી ના આપી હોય તેવા વિદ્યાર્થીઓની ફરીવાર કસોટી યોજ્યા બાદ જ પ્રમોશન આપવા અંગેની જાહેરાત બાદ પરીક્ષાને લઈને તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ દરમિયાન વેકેશન ચાલુ થઈ રહ્યું હોવાથી તેમજ કોરોનાની પરિસ્થિતિને જોતા હાલના તબક્કે પરીક્ષા યોજી શકાય તેમ ના હોવાથી આ પરીક્ષા જુન મહિનામાં બોર્ડની પરીક્ષા બાદ યોજાય તેવી શક્યતાઓ છે.કેટલાક વિદ્યાર્થીઓએ પ્રથમ કસોટી આપી ના હોય તેમના માટે શું કાર્યવાહી કરવી તે અંગે બોર્ડ સમક્ષ માર્ગદર્શન માંગવામાં આવતા બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પ્રથમ કસોટી આપી ના હોય તેમની ફરીવાર પરીક્ષા લઈને તેમને માસ પ્રમોશન આપીને આગળના ધોરણમાં લઈ જવાના રહેશે. આ જ રીતે આંતરિક મુલ્યાંકન પણ બાકી હોય તો તેની પરીક્ષા પણ ફરીવાર લેવાની રહેશે. ત્યાર બાદ જ પરિણામ જાહેર કરવાનું રહેશે.

    આ ઠરાવમાં આગળ કહેવાયું છે કે, કોરોના વાયરસના સંક્રમણથી ઉત્પન્ન થયેલી વૈશ્વિક મહામારીને નિયંત્રિત કરવા રાજ્ય સરકાર તથા સ્થાનિક તંત્ર દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી/અધિકારીઓ પૈકી જે કર્મચારી/અધિકારીઓને કોઈ કામગીરી સોંપવામાં આવેલી નથી તેમને શાળામાં આવવાનું રહેશે નહીં. પરંતુ જે સ્ટાફને કામગીરી સોંપવામાં આવેલી છે તેમને રાજ્ય સરકાર અથવા સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. સાથે જ ખાનગી સ્કૂલોના શિક્ષણો તથા સ્ટાફને પણ સ્કૂલે જવાથી મુક્તિ આપવામાં આવી છે. શાળાઓએ નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન શૈક્ષણિક કેલેન્ડરનું પાલન કરવાનું રહેશે તેવી તાકીદ શિક્ષણ વિભાગે કરી છે.


Download Our B K News Today App



Related News