પિતા પાસેથી પૈસા લેવા અમદાવાદમાં દીકરાએ પોતાની જ કિડનેપિંગનું નાટક રચ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-13 15:36:08
  • Views : 103
  • Modified Date : 2023-07-13 15:36:08

અમદાવાદમાંથી એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. અમદાવાદમાં અભ્યાસ કરતા પાટણના વેપારીના સગીર દીકરાને મોજશોખમાં દેવું જઈ જતાં તેણે મિત્રો સાથે મળીને પોતાના અપહરણનું નાટક રચ્યું હતું અને પિતાને વીડિયો મોકલીને 15 લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે, ક્રાઈમ બ્રાન્ચે તેઓને ઝડપી પાડી આખા નાટક પરથી પડદો ઉઠાવી લીધો છે. પ્રાપ્ત વિગત અનુસાર, પાટણમાં જવેલર્સનીની દુકાન વેપારીના દીકરાને કેનેડા જવાનું હોવાથી તે પરીક્ષાની તૈયારી કરવા માટે અમદાવાદ આવ્યો હતો. અમદાવાદમાં PGમાં રહેતો હતો. આ દરમિયાન તે મોજશોખના રવાડે ચઢી ગયો હતો. જેથી તેને દેવું થઈ જતાં તેણે પિતા પાસેથી પૈસા લેવા માટે પોતાના અપહરણનો પ્લાન બનાવ્યો હતો. વેપારીના દીકરાએ તેના બે મિત્રોની સાથે મળીને અપહરણનું નાટક રચ્યું હતું અને હાથ-પગ બાંધીને વીડિયો ઉતારી પિતાને મોકલ્યો હતો. વીડિયો મોકલીને પિતા પાસે 15 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે બાદ સગીરના પરિવારે સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી હતી. વેપારીના દીકરાના મિત્રોએ સગીરના પિતાને 15 લાખ રૂપિયા લઈને ગુરુદ્વારા પાસે બોલાવ્યા હતા. જેથી તેઓ પૈસા લઈને ગુરુદ્વારા પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમનો દીકરો જ પૈસા લેવા માટે આવ્યો હતો. જે બાદ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવતા તે પોપટની જેમ બોલવા લાગ્યો હતો.  તેણે પોલીસને જણાવ્યું હતું કે, તેણે પૈસાનું દેવું થઈ જતાં મિત્રો સાથે મળીને અપહરણનું નાટક રચ્યું હતું.  જે બાદ ક્રાઈમ બ્રાન્ચે બંને મિત્રોને પણ ઝડપી પાડ્યા હતા. જોકે, સગીર અને તેના મિત્રોનું ભવિષ્ય પગડે નહીં તે હેતુંથી તેમની સામે કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી.

Download Our B K News Today App



Related News