અમદાવાદમાં કોરોનાનો હાહાકાર છતાં કમિશનરથી લઈ OSD એસી ચેમ્બરમાંથી બહાર નથી આવતા, પૂર્વ કમિશનરની ખોટ વર્તાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 12:06:05
  • Views : 317
  • Modified Date : 2021-04-15 12:06:05

    રાજ્યના સૌથી મોટા અને વધુ વસતિ ધરાવતા અમદાવાદ શહેરમાં અત્યારે કોરોનાની પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ છે. હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સ અને સ્મશાનની બહાર શબવાહિનીઓની લાઈન લાગી છે. જીવ બચાવવા અને મોક્ષ મેળવવા હવે વેઈટિંગ ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરમાં આવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. એક સમયે કોરોનાની શરૂઆત થઈ હતી ત્યારે આવી રીતે જ કોરોનાનો કહેર હતો અને મ્યુનિસિપલ કમિશનરથી લઈ ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ કોરોનાને કાબુમાં લેવા રણનીતિ બનાવી અટકાવવામાં સફળ રહ્યા હતા, જોકે અમદાવાદ શહેરમાં આજે આ અધિકારીની ખોટ વર્તાઈ રહી છે. કોરોનાના કેસો અમદાવાદમાં આવતાં મ્યુનિસિપલ કમિશનર તરીકે રહેલા વિજય નેહરાએ તાત્કાલિક પગલાં લઈ ક્લસ્ટર, બફર ઝોન ઊભા કરી સંક્રમિત અને તેના કોન્ટેક્ટમાં આવેલા લોકોને શોધવાની કામગીરી કરી હતી, જોકે આજે અમદાવાદમાં લોકો ભગવાન ભરોસે રહેવાનો વારો આવ્યો છે.

    માર્ચ 2020માં જ્યારે અમદાવાદમાં કોરોનાના કેસો શરૂ થયા ત્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા કાર્યરત હતા. કમિશનર તરીકે પોતે મહાનગરની જવાબદારી હોઈ તેમણે કોરોના સંક્રમણ કાબૂમાં લેવા કડક પગલાં અને એના અમલની શરૂઆત કરાવી હતી. ટેસ્ટિંગથી લઈ ટ્રેસિંગ અને સમયસર સારવાર અંગે તેમણે રણનીતિ બનાવી હતી. જ્યાં પણ વધુ કેસ આવતા હતા ત્યાં બફર અને ક્લસ્ટર ઝોન જાહેર કરીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવતો હતો. આખા વિસ્તારને બંધ કરી એમાં રહેલા લોકોને સુવિધાઓ પણ પૂરી પાડી હતી. હોમ ક્વોરન્ટીન અંગેના કડક નિયમો લાગુ કર્યા હતા, જેમાં જે પણ વ્યક્તિ ઝોનમાંથી બહાર નીકળે અથવા ક્વોરન્ટીનનો ભંગ કરે તો પગલાં લેવાયાં હતાં.

    બફર ઝોન હોય કે ક્લસ્ટર ઝોન હોય, વિજય નેહરા ખુદ પોતે સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવતા હતા. દરરોજ અલગ અલગ વિસ્તારમાં પોતે જઈ માહિતી મેળવી કોરોનાને કાબૂમાં લેવા રણનીતિ ઘડતા હતા. મ્યુનિસિપલ કમિશનર પોતે જ્યારે રાઉન્ડ લેવા નીકળે ત્યારે તેમની નીચે રહેતા અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત એક્ટિવ રહેતા હતા, જોકે આજે અમદાવાદ શહેર જે રીતે કોરોના ભગવાન ભરોસે થયું છે ત્યારે વિજય નેહરા જેવા અધિકારીની રણનીતિ અને પગલાં લેવાયાં હોત તો લોકો લાઇનમાં લાગ્યા ન હોત. સોશિયલ મીડિયામાં થોડા દિવસ પહેલાં વિજય નેહરાને અમદાવાદમાં પરત લાવવા માટે લોકોએ અભિયાન ચલાવ્યું હતું.

    અમદાવાદમાં જ્યારે 1000 ટેસ્ટમાં 100થી 200 લોકો જ્યારે પોઝિટિવ આવે તેવા અણસાર વિજય નેહરા ખુદ કહેતા હતા અને લોકોને સાવચેત રહેવા કહી પગલાં લીધાં હતાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને ક્રિકેટ મેચમાં હજારો લોકો માસ્ક વગર તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાયુ નહિ, જેને કારણે રોજના અમદાવાદમાં 200થી ઉપર કેસો આવ્યા ત્યારે શહેરમાં ગંભીર પરિસ્થિતિ આવશે એનો અણસાર મેળવવામાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને ઓફિસર ઓન સ્પેશિયલ ડયૂટી તરીકે મૂકેલા ડો રાજીવ ગુપ્તા નિષ્ફળ રહ્યા છે, ત્યારે આજે અમદાવાદ શહેરમાં વિજય નેહરા જેવા અધિકારી અને તેમની રણનીતિ કામગીરી કરે તો કેટલાક અંશે કોરોના પર કાબૂ મેળવી શકાય.


Download Our B K News Today App



Related News