કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ગુજરાત બહાર નહીં જઈ શકે, સેશન્સ કોર્ટે 90 દિવસ સુધી રાજ્ય બહાર જવા માટેની અરજી ફગાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 14:42:52
  • Views : 405
  • Modified Date : 2020-09-25 14:42:52

    કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજીની શરતોમાં ફેરફાર માટે અને રાજ્ય બહાર જવા માટે અરજી કરી હતી. જે મામલે આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિક પટેલને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજૂર કર્યા હતા.

હાર્દિક સામે ગંભીર ગુનો હોવાથી રાજ્ય બહાર જવા દેવો યોગ્ય નથીઃ સરકારની કોર્ટમાં રજૂઆત
આ પહેલા હાર્દિકે 90 દિવસ માટે રાજ્ય બહાર જવા અરજી કરી હતી. જેનો સરકારે વિરોધ કર્યો કર્યો હતો કે, હાર્દિક પટેલ સામે ગંભીર ગુનો હોવાથી રાજ્યની બહાર જવા દેવો યોગ્ય નથી. માત્ર કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હોવાથી જવા દેવાય એ યોગ્ય નથી, કાયદો તમામ માટે સરખો છે. અન્ય રાજ્યની શાંતિની ભંગ થતી હોવાની પણ રજૂઆત કરી હતી.

જાન્યુઆરીમાં હાર્દિકની ત્રણવાર ધરપકડ થઈ હતી

  • 18 જાન્યુઆરી 2020ની રાત્રે રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે એડિ.સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ ધરપકડ વોરંટ કાઢ્યું હતું. ત્યારબાદ તેની વિરમગામ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી.
  • ત્યાર બાદ રાજદ્રોહના કેસમાં શરતી જામીન મળતા જ હાર્દિક જેલ બહાર આવ્યો હતો. પરંતુ જેલ બહાર આવતા માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરી સભા સંબોધવા બદલ હાર્દિક પટેલની ધરપકડ કરી હતી. માણસા કોર્ટમાંથી જામીન મળતા જ હાર્દિક પટેલની સિદ્ધપુર પોલીસે વર્ષ 2017માં ચૂંટણીમાં મંજૂરી વિના સભા કરતા તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.
  • સિદ્ધપુર કેસમાં જામીન પર છૂટ્યા બાદ હાર્દિક પટેલ સામે વર્ષ 2015માં GMDC ગ્રાઉન્ડ પર નોંધાયેલા રાયોટિંગ કેસમાં તેની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એમ. ઉનડકટે નામંજૂર કરી હતી.

શું છે રાજદ્રોહ કેસનો મામલો?
વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ કરી છે. આ કેસની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલે છે. છેલ્લા ઘણા સમયથી હાર્દિક સહિતના આરોપીઓ જાણી જોઇને વિવિધ પ્રકારની અરજીઓ કરી મુદત પડાવે છે. સામાન્ય કામ હોવા છતાં કોર્ટમાં હાજર ન રહેવાની અરજીઓ કરતા હોવાથી કેસની ટ્રાયલ ચલાવવામાં વિલંબ થઇ રહ્યો છે.

Download Our B K News Today App



Related News