સેન્સેક્સ પ્રથમવાર 50 હજારને પાર, અમેરિકામાં નવી સરકારની ઘરેલુ બજાર પર પણ પોઝિટિવ અસર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-21 11:38:22
  • Views : 214
  • Modified Date : 2021-01-21 11:38:22

    BSE સેન્સેક્સ ગુરૂવારે પ્રથમવાર 50 હજારના રેકોર્ડ સ્તરને પાર કરી ગયો. અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઈડેને સત્તા સંભાળી તેની પોઝિટિવ અસર ઘરેલુ શેરબજાર પર પણ જોવા મળી રહી છે. બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, રિલાયન્સ સહિત ટેક મહિન્દ્રા જેવા બજારના મોટા શેરોમાં 3.68% સુધી વધારો થયો છે. આ અગાઉ 23 મે 2019ના રોજ સેન્સેક્સે 40 હજારના સ્તરને સ્પર્શ કર્યો હતો.સવારે 10:12 વાગ્યે સેન્સેક્સ 258 પોઈન્ટ ઉપર 50,050.27 પર કારોબાર કરી કરી રહ્યો હતો. BSE પર 2487 કંપનીઓનાં શેરોમાં કારોબાર થઈ રહ્યું છે. 1485 શેર વધ્યા અને 893માં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યું છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ પ્રથમવાર 198.81 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી છે.

    આ રીતે નિફ્ટી ઈન્ડેક્સ 74.65 પોઈન્ટ પર 14719.35 આસપાસ રહ્યો હતો. તેમાં ટાટા મોટર્સના શેર 4.18% ઉપર કારોબાર કરી રહ્યા છે. ઓટો સેક્ટરમાં તેજીના કારણે નિફ્ટી ઓટો ઈન્ડેક્સ પણ 1.24% ઉપર કારોબાર કરી રહ્યો હતો.

    આજે સેન્સેક્સ એક વર્ષના સૌથી નીચલા સ્તરથી લગભગ બમણા સ્તર પર કારોબાર કરી રહ્યો છે. ગત વર્ષે 24 માર્ચે સેન્સેક્સ 25,638 સુધી નીચે ગયો હતો.સેન્સેક્સ જૂન 2014ના રોજ પ્રથમવાર 25 હજારના સ્તરને સ્પર્શ્યો હતો. એટલે કે 5 વર્ષમાં સેન્સેક્સ બમણો થઈ ગયો છે.સેન્સેક્સ, 2 જાન્યુઆરી 1986ના લોન્ચ કરાયો હતો. ખાસ વાત એ છે કે 1978-79માં ઈન્ડેક્સની બેઝ વેલ્યુ 100 પોઈન્ટ હતી.અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઈડન બન્યા. રોકાણકારોને આશા છે કે ટૂંક સમયમાં જ નવા રાહત પેકેજને મંજૂરી મળશે.વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII)નું રોકાણ સતત ચાલુ છે. NSDLના જણાવ્યા પ્રમાણે, જાન્યુઆરીમાં અત્યારસુધી 20,236 કરોડનું રોકાણ થયું છે.કોરોના મહામારી સામે મજબૂત લડાઈ. દેશમાં વેક્સિનેશન વિશે સતત પોઝિટિવ અપડેટ્સ આવી રહ્યાં છે.મજબૂત સ્થાનિક સંકેતોની પણ અસર. વીજળીનો વપરાશ, મેન્યુફેક્ચરિંગ PMI ડેટા, GDPમાં રિકવરી સહિત અન્ય પોઝિટિવ આંકડાઓની અસર છે.

    21 જાન્યુઆરીએ એશિયન પેઈન્ટ્સ, બજાજ ઓટો, બંધન બેન્ક, બાયોકોન, સાયન્ટ, SBI કાર્ડ્સ, બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ફોસિસનાં આજે ત્રિમાસિક ગાળાનાં પરિણામો આવવાનાં છે.અમેરિકામાં નવા રાષ્ટ્રપતિ જો બાઈડનના શપથ ગ્રહણથી વૈશ્વિક બજારોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારે એશિયાઈ બજારો કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં 0.92% અને હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સ 0.18% તેજી સાથે વેપાર કરી રહ્યા છે. એ જ રીતે ચીનના શાંઘાઈ ઈન્ડેક્સમાં 1% અને જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં 0.90%ની તેજી જોવા મળી છે. આ જ રીતે અમેરિકન બજારોમાં પણ નેસ્ડેક ઈન્ડેક્સ 1.97% અને S&P 500 ઈન્ડેક્સ 1.39% ઉપરની સપાટીએ બંધ થયા હતા. આ સિવાય યુરોપિયન માર્કેટમાં પણ તેજી જોવા મળી છે.



Download Our B K News Today App



Related News