રાજકોટમાં મોતનું તાંડવ, 24 કલાકમાં 62 દર્દીના મોત, બપોર સુધીમાં 301 કેસ, કુલ કેસની સંખ્યા 30 હજારને પાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 15:03:50
  • Views : 225
  • Modified Date : 2021-04-24 15:03:50

    રાજકોટમાં કોરોનાની બીજી લહેર કાળ બનીને ત્રાટકી છે. શહેરમાં 24 કલાકમાં મોતનું તાંડવ જોવા મળ્યું હોય તેમ 62 દર્દીના મોત નીપજ્યા છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં 301 કેસ નોંધાયા છે. તેમજ કુલ કેસની સંખ્યા 30 હજારને પાર કરી ગઈ છે. સૌરાષ્ટ્રના જાણિતા વકીલ નિરંજન દફ્તરીનું કોરોનામાં નિધન થયું છે. તેઓ છેલ્લા 10 દિવસથી કોરોનાની સારવાર હેઠળ હતા. પરંતુ સારવાર કારગત ન નીવડતા 79 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનના PSI યોગેશ અમરેલીયાનું પણ રાજકોટની હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે.

    રાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે પોલીસ અને મનપાની ટીમ દ્વારા અલગ અલગ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગઇકાલે એક જ દિવસમાં રાજકોટ પોલીસે માસ્ક વગરના 827 લોકોને પકડી તેમની પાસેથી 8.27 લાખનો દંડ વસુલ્યો હતો. તેમજ કર્ફ્યૂ ભંગના 115, જાહેરનામા ભંગના 149 કેસ નોંધવામાં આવ્યા હતા. જરૂર ન હોય તો બહાર ન નીકળો, માર્ગદર્શિકાનું પાલન કરો તેવું પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું છે.

    ​​​​​​​રાજકોટ મહાનગરપાલિકા વેસ્ટ ઝોન કચેરી ખાતે ચાલતા રસીકરણ કેન્દ્રમાં રોજના 250થી વધુ લોકોને સુરક્ષિત રસીકરણ કરવામાં આવતું હોવાનું ઇન્ચાર્જ મહેશભાઈ જણાવે છે. ગત રોજ વધુ એક પ્રેરણાત્મક કિસ્સો જોવા મળ્યો હતો. 94 વર્ષના વૃદ્ધા જમનાબેન મકવાણાએ લાકડીના ટેકે ચાલતા આવી હોંશભેર રસી મુકાવી યુવાઓને પ્રેરણા પુરી પાડી હતી.રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વીરનગર ખાતે આવેલ કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર લઈને માસુબેન મકવાણા, અંબાબેન તળાવીયા અને જશુબેન રાઠોડની ત્રિપુટીએ ભારે સંઘર્ષ કરીને કોરોનાને હરાવ્યો છે. કોરોનાની બીજી લહેરનો સામનો કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વીરનગર ખાતેની શિવાનંદ અધ્વર્યુ આંખની હોસ્પિટલ ખાતે 19 એપ્રિલથી ડેડીકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ અને કોવિડ કેર સેન્ટર યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર ખાતે ઓક્સિજનની જરૂરીયાતવાળા દર્દીઓ માટે 15 બેડ અને કોરોનાના હળવા લક્ષણો ધરાવતા માટે દર્દીઓ માટેના 15 બેડ સહિત હાલ તાત્કાલિક કુલ 30 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

    રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે ચેકિંગ દરમિયાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યુ તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચા-પાનની હોટેલો સહિત કુલ 17 વ્યવસાયિક એકમો સાત દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે.

    રાજકોટ કોરોના પોઝિટિલ કેસની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 30167 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 5163 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે 542 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.કોરોનાના વધતા જતા સંક્રમણને લઇને રાજકોટ એસટી ડિવીઝન દ્વારા અત્યાર સુધીમાં 450 જેટલા રૂટ રદ કરવામાં આવ્યા છે. સતત કોરોનાનું સંક્રમણ વધતા એસટી વિભાગે આ નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણ વચ્ચે લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. જેના કારણે એસટીમાં મુસાફરોમાં પણ સતત ઘટાડો નોંધાય રહ્યો છે. ગામડાઓમાંથી ખૂબ જ ઓછા લોકો શહેરોમાં આવે છે. અત્યાર સુધીમાં એસટીના અનેક ડ્રાઇવર, કન્ડક્ટર અને કર્મચારીઓ સંક્રમિત થયા છે.



Download Our B K News Today App



Related News