સ્કૂલ સંચાલકોએ બેઠકમાં ઠરાવ કર્યો, વાલીઓ 31 ઓક્ટોબર સુધીમાં ફી ન ભરે તો 25% રાહત નહીં મળે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-02 12:06:02
  • Views : 348
  • Modified Date : 2020-10-02 12:06:02

    સરકારે રાજ્યની તમામ ખાનગી સ્કૂલોને વાર્ષિક ફીમાં 25 ટકાનો ઘટાડો કરવા બુધવારે આદેશ આપ્યો હતો. પરંતુ ખાનગી સ્કૂલ સંચાલકો પોતે જ સરકાર હોય તેમ વર્તી રહ્યા છે અને 31 ઓક્ટોબર સુધીમાં ફી નહીં ભરનારા કે ગત વર્ષે ફી ન ભરી હોય તે વાલીઓને 25 ટકાની રાહત નહીં આપવાનો નિર્ણય કર્યો છે.

સ્કૂલ સંચાલકોના આવા મનસ્વી વલણ સામે ઓલ ગુજરાત વાલી મંડળ અને તેની સાથે સંકળાયેલા તમામ વાલીમંડળમાં ભારોભાર રોષ છે. ઓલ ગુજરાત વાલી મંડળે સ્કૂલ સંચાલકોના નિર્ણયનો વિરોધ કરી સરકારમાં ફરીથી રજૂઆત કરવાની ચીમકી આપી છે. સરકારે બુધવારે ફી ઘટાડાનો આદેશ આપ્યા પછી ખાનગી સ્કૂલ સંચાલક મંડળે ઓનલાઈન બેઠક યોજી ઠરાવ કર્યો હતો. અગ્રણી સ્કૂલોના અન્ય એક સંગઠન એસોસિએસન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ એસોસિએશનના પ્રમુખ મનન ચોકસીએ કહ્યું, સરકાર ફી માફી અંગે જીઆર બહાર પાડે પછી તેનો અમલ કરીશું. બીજી તરફ ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું, આવી સ્થિતિમાં વાલીઓને સહકાર આપવાને બદલે સ્કૂલોએ તઘલખી વલણ અપનાવ્યું છે. અમે સરકારમાં રજૂઆત કરીશું.

આવક ન થતાં શિક્ષકોને પૂરો પગાર પણ ચૂકવી શકાયો નથી
ગુજરાતના ખાનગી સ્કૂલ સંચાલક મહામંડળના પ્રમુખ ભરત ગાંજીપરાએ જણાવ્યું હતું કે, રાજ્યના 32 જિલ્લાની 7500 સ્કૂલોના સંચાલકોની ઓનલાઈન મીટિંગ ગુરુવારે મળી હતી. જેમાં 31 ઓક્ટોબર સુધીમાં વાલીઓ ફી ન ભરે અથવા ગત વર્ષની બાકી ફીનું પેમેન્ટ ન કરે તો તેમને 25 ટકા રાહત નહીં આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. વર્તમાન સ્થિતિમાં શિક્ષકોના પગાર સહિત ખર્ચને પહોંચી વળવા આ નિર્ણય કર્યા સિવાય અમારી પાસે કોઈ જ વિકલ્પ ન હતો.

Download Our B K News Today App



Related News