મમતાના ચંડી પાઠ પર મોદીનો કટાક્ષ, કહ્યું- દીદીનું હૃદય પરિવર્તન થયું નથી, આ હારનો ડર છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 14:45:54
  • Views : 217
  • Modified Date : 2021-03-18 14:45:54

    ગુરુવારે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીને સંબોધન કર્યું હતું. મોદીએ તેમના ભાષણની શરૂઆત બાંગ્લા ભાષામાં જ કરી. તેમણે કહ્યું કે દીદીને બંગાળના લોકોના હિતોથી વધુ ખેલની ચિંતાની પડી છે, જોકે દીદી એ ભૂલી રહી છે કે આ વખતે બંગાળના લોકો તેમના વિરોધમાં છે. દસ વર્ષના દુશાસનની સજા લોકો તેમને આપશે.

    તેમણે કહ્યું કે દસ વર્ષના તુષ્ટિકરણ પછી લોકો પર લાકડીઓ-ડંડા ચલાવ્યા પછી હવે મમતા દીદી અચાનક બદલાયેલી જોવા મળી રહી છે. આ હૃદય પરિવર્તન નથી, હારનો ડર છે. દીદી આ બધુ કરતી રહી, દરેક રીતે રમતી રહી, જોકે એ ન ભૂલો કે બંગાળના લોકોની યાદશકિત ખૂબ જ તીવ્ર છે. તેમને યાદ છે કે તમે ગાડીમાંથી ઉતરીને કેટલા લોકોને ફટકાર્યા હતા.અહીં ડાબેરીઓ અને પછી તૃણમૂલની સરકારે ઉદ્યોગોનો યોગ્ય રીતે વિકાસ થવા દીધો નથી. પાણીની જે વ્યવસ્થા કરવામાં આવનાર હતી, તે કરવામાં આવી નથી. અહીં લોકોની સમસ્યા પર ધ્યાન આપવાની જગ્યાએ TMC સરકાર પોતાના જ ખેલમાં લાગેલી રહી. આ લોકોએ પુરલિયા જળસંકટ, પલાયન અને ભેદભાવ ભરેલુ શાસન કર્યું છે. તેમણે પુરલિયાની ઓળખ દેશના સૌથી પછાત વિસ્તાર તરીકે કરી છે. અહીં ગેસ પાઈપલાઈનનું કામ છેલ્લા આઠ વર્ષથી અધુરુ છે. અહીં બંધનું કામ પણ અધુરુ પડ્યું છે. તેનો જવાબ કોણ આપશે. દીદી અહીંના લોકો તમારી પાસેથી જવાબ માંગી રહ્યાં છે.

    હું આજે પુરલિયાના લોકોને સમગ્ર જગલ મહલ ક્ષેત્રોના લોકોને વિશ્વાસ આપવા આવ્યો છું કે ભાજપની સરકાર બન્યા પછી તમારી એ સમસ્યાઓને પ્રાથમિકતાના આધારે દૂર કરવામાં આવશે. બંગાળમાં જ્યારે ડબલ એન્જિનની સરકાર બનશે, ત્યારે અહીં વિકાસ પણ થશે અને તમારું જીવન પણ સરળ બનશે. અહીં પુરલિયામાં તો ટુરિઝમ અને હેન્ડીક્રાફટની પણ એટલી શકયતાઓ છે, તેને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. અહીં જેવી જળની સમસ્યા દેશના બીજા ભાગોમાં પણ સર્જાઈ છે પરંતુ ભાજપની સરકાર હતી તો તેણે હજારો કિલોમીટરની પાઈપલાઈન લગાવી છે. પાણીની સમસ્યા દૂર થઈ તો અહીં ખેડૂતો અલગ-અલગ પાક કરવા લાગ્યા.

    પુરલિયા સહિત આ સમગ્ર ક્ષેત્રમાં વિકાસની અસંખ્ય સંભાવનાઓ છે. પશ્ચિમ બંગાળના દરેક હિસ્સાને રેલવે સેવાથી જોડવો તે અમારી પ્રાથમિકતા છે. હાલ પશ્ચિમ બંગાળના અલગ-અલગ હિસ્સામાં 50 હજાર કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. 2 મે પછી અહીં જ્યારે ભાજપની સરકાર બનશે તો પશ્ચિમ બંગાળમાં જે દાનપુની સુધીનું સેક્શન છે, ત્યાં પણ ફ્રેટ કોરિડોરનું કામ શરૂ કરવામાં આવશે.

    બંગાળના લોકોને યાદ છે કે તમે દેશની સેના પર સત્તા પરિવર્તનની કોશિશનો આરોપ લગાવ્યો. જ્યારે પુલવામા પર હુમલો થયો, ત્યારે તમે કોની સાથે હતા, એ પણ બધાને યાદ છે. દિલ્હીની કોર્ટે ખૂબ જ મોટો નિર્ણય કર્યો છે. તે બાટલા હાઉસ સાથે જોડાયેલો છે. આ નિર્ણયથી આતંકવાદ અને તેનો સાથ આપનારાઓનો ચહેરો સામે આવ્યો. તેમાં એક ઈન્સ્પેક્ટર શહીદ થયો, જોકે મમતા દીદી અને તેમની પાર્ટીનો વ્યવહાર કોઈ ભૂલ શકયું નથી.અમારા માટે તો દીદી પણ ભારતની જ એક છોકરી છે, તેમનું સન્માન કરવું તે અમારા સંસ્કારોમાં છે. જ્યારે તેમને ઈજા થઈ તો મને પણ ચિંતા થઈ. મારી પ્રાર્થના છે કે તેઓ ઝડપથી સાજા થઈ જાય. સાથીઓ પશ્ચિમ બંગાળ ત્યારે જ પ્રગતિ કરી શકે છે, જ્યારે વિકાસ પ્રક્રિયામાં તમામ પક્ષો એક થાય.

    આસામની 126 બેઠક માટે 27 માર્ચ, 1 એપ્રિલ અને 6 એપ્રિલના રોજ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. પહેલા તબક્કાની કુલ 47 બેઠક છે. બીજા તબક્કામાં 39 બેઠક અને ત્રીજા તબક્કામાં 40 બેઠક પર મતદાન થશે. મતગણતરી 2 મેના રોજ યોજાશે.

    પશ્ચિમ બંગાળમાં આ વખતે 8 તબક્કામાં મતદાન થશે. 294 બેઠકવાળી વિધાનસભા માટે મતદાન 29 માર્ચ (30 બેઠક), 1 એપ્રિલ (30 બેઠક), 6 એપ્રિલ (31 બેઠક), 10 એપ્રિલ (44 બેઠક), 17 એપ્રિલ (45 બેઠક), 22 એપ્રિલ (43 બેઠક), 26 એપ્રિલ (36 બેઠક), 29 એપ્રિલ (35 બેઠક) યોજાશે.


Download Our B K News Today App



Related News