ઓક્ટોબર સુધી કઠોળ દાળના ભાવ નહી ઘટે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-05-20 16:12:38
  • Views : 95
  • Modified Date : 2024-05-20 16:12:38

ખાદ્ય પદાર્થોના ભાવ આસમાને છે. વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને ફરી એકવાર આંચકો મળી શકે છે. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ મામલે લોકોને વધુ થોડા સમય માટે મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને સામાન્ય નાગરીકોને કઠોળ દાળના ભાવમાં જલદી રાહત મળવાની સંભાવના નથી. હાલમાં, કઠોળ દાળની કિંમતોમાં નરમાઈના કોઈ સંકેતો નથી. કારણ કે કઠોળ દાળનો પુરવઠો તેની માંગના પ્રમાણમાં ઓછો છે જેના કારણે ભાવ આસમાને પહોચ્યાં છે.કઠોળના વ્યવસાય સાથે સંકળાયેલા નિષ્ણાતોના હવાલાથી રજુ કરાયેલા મીડિયા અહેવાલ અનુસાર, ભાવ હાલમાં નહીં ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે જ્યાં સુધી બજારમાં નવા પાકનો પુરવઠાની આવક શરૂ નહીં થાય ત્યાં સુધી દેશમાં કઠોળના ભાવ ઊંચા રહી શકે છે. ઓક્ટોબર મહિનામાં નવા પાકની આવક શરૂ થશે. આવી સ્થિતિમાં ઓક્ટોબર સુધી જનતાને કઠોળ દાળના કિંમતમાંથી રાહત મળવાની નથી.બજારના જાણકારોના મતે, હાલમાં દેશમાં કઠોળની માંગ અનુસાર પુરવઠાનુ પ્રમાણ નથી. માંગ અને પુરવઠા વચ્ચેના અસંતુલનના કારણે, કઠોળના ભાવ ઉચકાયેલા રહ્યા છે. કઠોળ ફુગાવાના ઊંચા સ્તરને કારણે એકંદરે ખાદ્યપદાર્થો પર પણ અસર પડી રહી છે.હાલમાં, સરકાર દ્વારા કઠોળ દાળના ભાવને અંકુશમાં લેવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમાં સફળતા મળી રહી નથી. ભારત કઠોળનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, પરંતુ વપરાશ ઉત્પાદન કરતાં વધી જાય છે. આવી સ્થિતિમાં ભારતે કઠોળની આયાત કરવી પડે છે. 2022-23 પાક વર્ષમાં દેશમાં કઠોળનું અંદાજિત ઉત્પાદન 26.05 મિલિયન ટન હતું, જ્યારે વપરાશ 28 મિલિયન ટન હોવાનો અંદાજ છે. જો અત્યારે કઠોળ દાળના ભાવની વાત કરીએ તો બજારમાં તુવેર, ચણા અને અડદની દાળના ભાવ વધુ છે. ગત એપ્રિલ મહિનામાં કઠોળનો ફુગાવો 16.8 ટકા હતો. સૌથી વધુ 31.4 ટકા ફુગાવો તુવેર દાળમાં જણાયો હતો. તેવી જ રીતે ચણાની દાળમાં 14.6 ટકા અને અડદની દાળમાં 14.3 ટકાના દરે ફુગાવો હતો.

Download Our B K News Today App



Related News