ગુજરાતનું એક માત્ર ગામ જ્યાં દરેક ઘરમાં લાગી છે દીકરીઓની નેમપ્લેટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-22 16:15:03
  • Views : 102
  • Modified Date : 2023-11-22 16:15:03

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ “દીકરી ગામ” તરીકે જાહેર કરાયું છે. 'દીકરી ગામ'એ રાજ્યનું એકમાત્ર એવું ગામ છે જ્યાં 100 ટકા ઘરો ઉપર દીકરીઓની નેઇમપ્લેટ લાગી છે.રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિત ગામમાં કુલ 10 સભ્યોની સમરસ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. જેમાં સરપંચ તરીકે જલ્પાબેન અઘેરા, ઉપસરપંચ શ્રેયા ખાચર, પંચાયતના વિવિધ વોર્ડના સભ્યો તરીકે સુહાની ચૌહાણ,યશ્વી લીલા, ગોપી ચૌહાણ, ઈશિતા મકવાણા, દર્શિતા મકવાણા,ધ્રૂવી પરમાર,બ્રિન્દા ખાચર, કૃપાણી મકવાણાની વરણી કરવામાં આવી છે.આ તકે ગામની સમરસ બાલિકા પંચાયતના સરપંચ જલ્પાબેન અઘેરાએ ગામમાં દીકરીના શિક્ષણ, કૂપોષણ, આરોગ્ય સહિત ના પ્રશ્ને લોકોમાં જાગૃતિ લાવવા માટે સક્રિય ભૂમિકા ભજવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને દીકરીઓને ભણાવવા માટે વાલીઓમાં જાગૃતિ લાવવા પર તેમણે ભાર મુક્યો હતો. ઉપરાંત આરોગ્ય-કૂપોષણ, સ્વચ્છતા તેમજ દીકરી-મહિલાઓને લગતા અન્ય પ્રશ્નો અંગે ગ્રામ પંચાયત તથા વહીવટી તંત્ર સાથે રહીને ઉકેલવા તત્પર રહેવાની ખાતરી પણ આપી હતી.બાલિકા પંચાયત ગામમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, રમત ગમત જેવા વિવિધ મુદ્દાઓ પર કાર્ય કરી કિશોરીઓનું પ્રતિનિધિત્વ દરેક ક્ષેત્રે વધે તે સુનિશ્ચિત કરશે. આ ગામમાં સમરસ બાલિકા પંચાયતની સાથે વિલેજ ટાસ્ક ફોર્સ કમિટીનું પણ ગઠબંઘન કરવામાં આવ્યું છે.રાજ્યમાં મહિલા સશક્તિરણને પ્રોત્સાહન આપવાના હેતુસર અગાઉ કચ્છ જિલ્લામાં માંડવી તાલુકાના મસ્કા ગામમાં ઘર પર દીકરીઓ-વહૂઓના નામની પ્લેટ લગાવવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત કચ્છના કુનરિયા ગામમાં પણ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી હતી.રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની દવેએ જણાવ્યું હતું કે, નવતર પહેલના ભાગરૂપે પાટીદડ ગામ “દીકરી ગામ” તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. રાજ્યનું આ એકમાત્ર એવું ગામ છે, જ્યાં જેમના ઘરે દીકરી છે, ત્યાં દીકરીના નામની પ્લેટ ઘરની બહાર લગાવવામાં આવી છે.

Download Our B K News Today App



Related News