રસીકરણમાં અમદાવાદ પહેલા સ્થાને, બીજા સ્થાને સુરત, ત્રીજા સ્થાને દાહોદ, રાજ્યમાં કોરોના વેક્સિનેશનનો આંક 19 લાખને પાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 10:32:02
  • Views : 242
  • Modified Date : 2021-03-10 10:32:02

    કોરોના સામેની લડતમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે ગુજરાત પણ રસીકરણની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. 16મી જાન્યુઆરીથી શરૂ થયેલી તબક્કાવાર વેક્સિનેશનની કામગીરીમાં ગુજરાત આજે પણ દેશમાં બીજા ક્રમાંકે કાયમ છે. સૌથી વધુ રસીકરણ પડોશી રાજ્ય રાજસ્થાનમાં છે, જ્યારે બીજા નંબરે ગુજરાત છે.

    રાજ્યમાં અત્યારસુધી એટલે કે 8 માર્ચ સુધી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આંકડા મુજબ 19,38,244 લોકોએ કોરોનાની કોવિશીલ્ડ વેક્સિન લીધી છે, જેમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં થયું છે. અમદાવાદ શહેરમાં અત્યારસુધી કુલ 1,77,788 લોકોએ વેક્સિન લીધી છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં કુલ 54,007 લોકોએ વેક્સિન લીધી છે. જ્યારે સુરત કોર્પોરેશનની હદમાં 1,12,102 અને સુરત જિલ્લામાં 38,971 લોકોનું વેક્સિનેશન થયું છે, જ્યારે દાહોદ જિલ્લો હજુ વેક્સિનેશનમાં ત્રીજા નંબરે યથાવત્ છે, દાહોદમાં કુલ 99,263 લોકોનું વેક્સિનેશન થયું છે.

    પહેલા તબક્કામાં વેક્સિનનો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા રાજ્યમાં 3 લાખ 60 હજાર સુધી પહોંચી છે, જ્યારે 45થી 60 વર્ષના વય જૂથમાં કુલ 7,14,712 લોકોનું વેક્સિનેશન થયું છે, જેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ 59,074, જ્યારે બીજા ક્રમે સુરત છે. દાહોદમાં કુલ 45થી 60 વર્ષની વય જૂથમાં 50,827 લોકોએ રસી લીધી છે.

    આજે રાજ્યના 4 જિલ્લામાં શૂન્ય કેસ છે. તેમ છતાં છેલ્લા 24 કલાકમાં 581 કેસ નોંધાયા છે. જ્યારે 453 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને 2 દર્દીનાં મોત થતાં મૃત્યુઆંક 4,418 થયો છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી ઘટીને 97.17 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 17 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતાં સાજા થનારની સંખ્યા વધારે હતી તેમ જ રાજ્યમાં 6 માર્ચે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 3 હજારને પાર થયો હતો અને હાલ 3,338 એક્ટિવ કેસ છે.


Download Our B K News Today App



Related News