સિવિલમાં કોવિડ હોસ્પિટલના એન્ટ્રી પોઇન્ટથી બહાર સુધી એમ્બ્યુલન્સના થપ્પા, 3થી 4 કલાકે એકનો વારો, સ્ટ્રેચરમાં જ સારવાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-14 16:47:41
  • Views : 257
  • Modified Date : 2021-04-14 16:47:41

    રાજકોટમાં દિવસને દિવસે કોરોના કેસની સંખ્યા વધી રહી છે. બીજી તરફ હોસ્પિટલોમાં ટપોટપ મોત થઇ રહ્યાં છે. સરકારી આંકડા અલગ જ બતાવવામાં આવી રહ્યાં છે. ત્યારે સિવિલ હોસ્પિટલની અંદર એમ્બ્યુલન્સની લાઇન જોતા કોરોનાની ભયાનક પરિસ્થિતિ વિશે જાણી શકાય છે. ગત રાત્રે સિવિલમાં કોવિડ હોસ્પિટલના એન્ટ્રી પોઇન્ટથી ગ્રાઉન્ડ સુધી એમ્બ્યુલન્સની લાંબી લાઇન જોવા મળી હતી. હોસ્પિટલમાં બેડ ફૂલ હોવાથી એમ્બ્યુલન્સમાં જ દર્દીને ઓક્સિજન આપી સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ સ્ટ્રેચર પર દર્દીને સારવાર આપવામાં આવતી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. રાત બાદ દિવસે પણ 15 જેટલી એમ્બ્યુલન્સની લાઇન જોવા મળી છે.

    રાત્રે 15 જેટલી એમ્બ્યુલન્સની લાઇન જોવા મળી હતી. ત્યારે આજે સવારથી ફરી એમ્બ્યુલન્સની લાઇન લાગી ગઇ છે. સવારથી 15 જેટલી એમ્બ્યુલન્સ દર્દી સાથે વેઇટિંગમાં ઉભી રહી ગઇ છે. ત્રણથી ચાર કલાકે એક એમ્બ્યુલન્સનો વારો આવી રહ્યો છે. સિવિલ બહાર આજે પણ એમ્બ્યુલન્સની લાઇન લાગી જતા ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં તમામ એમ્બ્યુલન્સ રાખી દેવામાં આવી છે. એક તરફ સરકાર કહે છે કે બેડ વધરાવામાં આવ્યા છે તો વારો કેમ આવતો નથી તેવા સવાલો લોકોમાં થઇ રહ્યાં છે.

    રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રે 15થી વધુ એમ્બ્યુલન્સની લાઇન જોવા મળી હતી. કેટલાક દર્દીને પરિવારજનો અને હોસ્પિટલ સ્ટાફ સ્ટ્રેચરમાં જ ઓક્સિજન આપતા લઇ જતા નજરે પડ્યાં હતા. રાજકોટની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક જોવા મળી રહી છે. જેમાં મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ હોવાનું સામે આવી રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં લોકોને સૌથી વધુ ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે પુરતું ઓક્સિજન ન મળવાથી દર્દીઓના મૃત્યુ થઇ રહ્યાનું સામે આવ્યું છે.

    રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યાની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટ મનપા દ્વારા અત્યાર સુધીમાં કુલ 7,95,938 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 1,07,073 RT-PCR અને 6,88,765 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજકોટમાં એ હદે સ્થિતિ વણસી છે કે લોકો સ્વયંભૂ ટેસ્ટિંગ કરવા માટે સામે આવી રહ્યાં છે. રોજ પોઝિટિવ કેસનો આંક 600 નજીક પહોંચી જાય છે.

    રાજકોટની તમામ હોસ્પિટલો ફૂલ થવાને કારણે એક પણ બેડ મળે તેવી સુવિધા નથી. તેમજ ઓક્સિજનનો પુરતો જથ્થો નથી. રેમડેસિવિર ઇન્જેક્શનની પણ શોર્ટેજને કારણે દર્દીઓ પરેશાન થઇ રહ્યાં છે. શહેરની તમામ કોવિડ હોસ્પિટલ ફૂલ થઇ ગઇ છે. થોડા દિવસ પહેલા જ રાજકોટ સિવિલના ઇતિહાસમાં કોરોના દર્દી માટે મેઇન ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો અને પાછલા દરવાજેથી એમ્બ્યુલન્સને એન્ટ્રી આપવામાં આવી રહી હતી. આ દિવસે 40 એમ્બ્યુલન્સની લાઇન લાગી હતી અને 4 કલાકે એકનો વારો આવ્યો હતો.


Download Our B K News Today App



Related News