વડોદરામાં કોરોના મહામારીમાં મોભીએ નોકરી ગુમાવતા પરિવારે સ્મશાનને ઘર બનાવ્યું, કોરોનાના મૃતકોના અંતિમ સંસ્કાર-અસ્થિ વિસર્જનની સેવા કરે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-21 13:25:34
  • Views : 307
  • Modified Date : 2021-04-21 13:25:34

    વિકરાળ રૂપ ધારણ કરનાર કોરોનાએ અનેક પરિવારોને ભરડામાં લઇ લીધા છે. કોરોનાની મહામારીમાં અનેક લોકોએ નોકરી ગુમાવી છે, તો અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે કોરોનાની આ મહામારીમાં નોકરી ગુમાવનાર વડોદરાના મહારાષ્ટ્રીયન પરિવારના મોભીએ પરિવારનું ગુજરાન ચલાવવા સાથે ઘરની છત પૂરી પાડવા વડોદરાના વાસણા ગામના સ્મશાન ખાતે પોતાનું ઘર બનાવ્યું છે અને સ્મશાનમાં રહીને મૃતકોના અંતિમ સંસ્કારની કામગીરી કરી રહ્યો છે.

    મૂળ મહારાષ્ટ્રના વતની અને છેલ્લા એક વર્ષથી વાસણા ગામના સ્મશાનમાં કનૈયાલાલ શિર્કે પરિવાર સાથે રહે છે અને કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોની અંતિમવિધિની તમામ જવાબદારી નિભાવી રહ્યું છે. એક વર્ષ પૂર્વે કોરોનાની કારમી થપાટનો ભોગ બનેલા કનૈયાલાલ સિર્કે કલર કામનો વ્યવસાય કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ, કોરોનાની પહેલી લહેર સમયે આવેલા લોકડાઉનના કારણે રોજગારી ગુમાવતા તેમને છૂટક મજૂરી કામ કરીને જીવન ગુજારવાનો વારો આવ્યો હતો.કનૈયાલાલ છેલ્લા એક વર્ષ થી તેમની પત્ની તેમજ બે નાના બાળકો સાથે વડોદરા શહેરના વાસણા સ્મશાનમાં રહીને કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહોની અંતિમ ક્રિયાથી માંડીને સ્વ ખર્ચે અસ્થિ વિસર્જન સુધીનું ભગીરથ કાર્ય કરે છે. અંતિમ સંસ્કારની કામગીરી દરમિયાન કનૈયાલાલ સ્મશાનની ઇલેક્ટ્રિક ચિતામાં સળિયા ઉપાડવાનું કામ કરતા તેમને હાથ તેમજ પગના ભાગે દાઝી જવાથી ઇજાઓ પણ પહોચી છે.

    કનૈયાલાલે જણાવ્યું હતું કે, હાલ કોરોનાની મહામારીના કારણે કેટલાક સ્વજનો મૃતકની અસ્થિ તો દૂર મૃતદેહને હાથ લગાડવા પણ તૈયાર નથી. આ સ્થિતિમાં તેઓ પોતે અસ્થિઓને એકત્રિત કરીને સ્વ ખર્ચે નદીમાં વિસર્જિત કરીને મૃતકોને મોક્ષની પ્રાપ્તિ થાય તેવું કાર્ય કરી રહ્યા છે.નોંધનિય છે કે, કનૈયાલાલના આ ભગીરથ કાર્યની જાણ કેટલીક સામાજિક સંસ્થાઓને થતાં તેઓએ કનૈયાલાલને કામ સામે વળતર આપવા સહિત પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી પણ ઉપાડી છે.

    સામાન્ય રીતે નાગરિકો સ્મશાનમાં જવાનું ટાળતા હોય છે અથવા તો તેમને ડર સતાવતો હોય છે, તેવામાં આ પરિવાર પોતે સ્મશાનમાં રહીને સેવા કાર્ય કરતા તેમના આ પુણ્ય કાર્યની સરાહના સમગ્ર શહેરમાં થઈ રહી છે.


Download Our B K News Today App



Related News