વડોદરામાં સયાજી હોસ્પિટલના બે ડૉક્ટરો માતાના અંતિમસંસ્કારની વિધિ પુરી કરીને ફરી ફરજ પર જોડાઈ ગયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-17 15:09:46
  • Views : 235
  • Modified Date : 2021-04-17 15:09:46

    માતાની હૂંફ મટી જવી દરેક માટે સૌથી મોટા દુઃખ સમાન હોય છે. માતાની વિદાય માણસ તો શું મુંગા પ્રાણીઓને પણ હતાશ કરે છે. ત્યારે વડોદરામાં સયાજી હોસ્પિટલના બે તબીબોની હૃદયસ્પર્શી કર્તવ્ય નિષ્ઠાને ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે ગઈ કાલે રાત્રે યોજેલી સમીક્ષા બેઠકમાં તબીબોની સમર્પિતતા અને સેવા નિષ્ઠાના ઉદાહરણ સમાન ગણાવી હતી

    વડોદરામાં સયાજી હોસ્પિટલના PSM વિભાગમાં કાર્યરત અને છેલ્લા સવા વર્ષથી કોવિડ મેનેજમેન્ટમાં અવિરત કાર્યરત ડો. રાહુલ પરમારની માતાનું તાજેતરમાં અવસાન થયું હતું. વડોદરા ખાતે ફરજ બજાવતા આ તબીબના માતા ગાંધીનગર ખાતે રહેતા હતાં. આ ખબર મળતા જ તેઓ ગાંધીનગર ગયાં હતાં. માતાના અંતિમ સંસ્કારની ફરજો પુરી કરીને વહેલી સવારે તેઓ વડોદરા આવી ગયા હતા અને પોતાની ફરજ પર જોડાઈ ગયાં હતાં. માતાનું અવસાન હૃદય દ્રાવક ઘટના છે. પરંતુ આ ભારે ખોટ તેમની ફરજ નિષ્ઠાને વિચલિત ન કરી શકી. કદાચ તેમણે એવું માન્યું હશે કે આ કટોકટીના સમયે કોવિડ સેવા થી વધુ શ્રેષ્ઠ કોઈ શ્રધ્ધાંજલિ ન હોય શકે.

    આ તબીબના ફાળે ખૂબ જ અઘરી ગણી શકાય એવી કોવિડ ફરજ આવેલી છે. એમણે સારવાર દરમિયાન મૃત્યુના પ્રસંગે મૃતક દર્દીના સ્વજનોને આ સમાચાર આપવાની અને તમામ વિધિઓ પૂર્ણ કરાવી મૃતદેહ સોંપવાની ખૂબ કપરી ફરજો અદા કરવાની હોય છે. કોવિડની આ ફરજો દરમિયાન તેઓ જાતે ગત ડિસેમ્બરમાં કોરોનાગ્રસ્ત થયાં હતાં અને સાજા થઈને પાછા ફરજોમાં જોડાઈ ગયાં હતાં.

    આવી જ બીજી ઘટના સયાજી હોસ્પીટલમાં કોવિડ ડ્યુટી કરતાં એસોસિયેટ પ્રોફેસર ડો.શિલ્પા પટેલ સાથે બન્યું છે. વહેલી પરોઢના ત્રણ વાગ્યે તેમણે પણ પોતાની વ્હાલી માતા ગુમાવી. તેઓ ગમગીન હૃદયે અંતિમ સંસ્કારમાં જોડાયા.અને માત્ર 6 કલાક પછી સવારે 9 વાગ્યા પાછા પૂર્વવત કોવિડ ડ્યુટીમાં લાગી ગયાં હતા. આ તબીબોએ આજીવન અંગત ખોટને જાણે કે દર્દી સેવાથી સરભર કરવાનો માર્ગ પસંદ કર્યો છે.ડો.વિનોદ રાવે જણાવ્યું કે આ લોકોએ સમર્પિતતા અને સેવા નિષ્ઠાના બેજોડ દાખલા બેસાડ્યા છે.આ બંને કોરોના યોદ્ધાઓ ને હું દિલ થી સલામ કરું છું. આ સમય ખૂબ કપરો છે.પોતાના પરિવાર અને સંબંધો ને ભૂલીને તબીબો અને આરોગ્ય સેવકો કોરોના ની ફરજો બજાવી રહ્યાં છે.ત્યારે તેમની આ ફરજ પરસ્તીને સમાજ યોગ્ય રીતે મૂલવે એ અનિવાર્ય છે.



Download Our B K News Today App



Related News