દેશની સૌથી લાંબી 240 કિ.મી. અંતિમયાત્રા નિકળી : બહુ ચર્ચિત હત્યા કેસમાં તમામ આરોપીઓની અટક થતા 5 દિવસે પત્નીએ મૃતદેહ સ્વિકાર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-30 11:01:34
  • Views : 1611
  • Modified Date : 2020-09-30 11:01:34

   રાપરમાં દલિત અગ્રણી અને વકીલની થયેલી હત્યા અને ત્યારબાદનો 5 દિવસથી ચાલતા ઘટનાક્રમમાં અંતે આગલી રાત્રે બાકીના ત્રણ આરોપીઓની પણ અટક કરી લેવાતા પરિવારજનો દ્વારા મૃતદેહ નો સ્વીકાર કરાયો હતો. રાપરથી મતીયાદેવ મંદિર સુધીની કદાચિત દેશની સૌથી લાંબી 240 કિ. મી. સ્મશાન યાત્રા નિકળી હતી.

વતન મતિયા દેવ ધામ નજીક દફનવિધિ કરાઇ
ગત શુક્રવાર ના સાંજે કચ્છના વાગડ વિસ્તારના રાપર શહેરમાં ધારાસભ્ય ના કાર્યાલય અને પોતાની કચેરી નીચેજ અગ્રણી વકીલ અને વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા દેવજીભાઈ મહેશ્વરી પર છરીથી હુમલો કરીને એક યુવાને હત્યા નિપજાવી હતી. ત્યારબાદથી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર કચ્છમાં જોવા મળ્યા હતા અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન, ચક્કાજામ જેવી ઘટનાઓ બનવા પામી હતી. મૃતકના પત્ની દ્વારા 9 આરોપીઓના નામ જોગ હત્યા અને તે માટેના ષડયંત્રની ફરિયાદ નોંધાવ્યા બાદ હત્યા કરતા રંગે હાથ સીસીટીવીમાં ઝડપાયેલા મુખ્ય આરોપી સહિત 6ની અને ત્યારબાદ વધારાના એક મદદરૂપ થનારા આરોપીની પણ અટક કરવામાં આવી હતી.

પરંતુ મૃતકના પત્ની મીનાક્ષીબેન મહેશ્વરી દ્વારા જ્યાં સુધી તમામ આરોપીઓની અટક ના થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વિકાર કરવાનો ઈંકાર કરી દીધો હતો. તો પોલીસે પાંચ દિવસની તપાસ બાદ એફઆઇઆરમાં દર્શાવેલા 9 ઉપરાંત મુખ્ય આરોપીઓને નાસી જવામાં મદદ કરનારા બે વધુ આરોપીઓની અટક કરી લીધી હતી. ત્યારબાદ મંગળવારે મૃતદેહનો સ્વીકાર કરાતા ‘જય ભીમ’ ના નારા સાથે જનમેદની વચ્ચે એમ્બ્યુલન્સમાં તે રખાયો હતો અને ત્યારબાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. જે રાપર થી ચિત્રોડ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, અંજાર થઈને ભુજ અને ત્યાંથી મતિયાદેવ ધામ નજીક નલિયાના ગુડથર ખાતે દફન વિધિ માટે પહોંચી હતી. સંભવિત દેશમાં સૌથી લાંબી 240 કિલોમિટર જેટલી સફર આ અંતિમ યાત્રાએ કાપી હતી, જેને માર્ગમાં વિવિધ સ્થળોએ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. દેવજીભાઇના વતન મતિયાદેવ ધામ નજીક દફનવિધિ કરાઇ હતી.

જ્યાં સુધી મૃતદેહ સ્વિકારીયે નહિ, ત્યાં સુધી સરકારના પેટનું પાણી નથી હલતુંઃ જીજ્ઞેશ મેવાણી
ઘટનાને લઈને પ્રથમ દિવસેજ સોશિયલ મીડિયા થકી પોતાનો રોષ ઠાલવનારા વડગામના અપક્ષથી ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી રાપર આવી પહોંચ્યા હતા. જેમણે અંતિમયાત્રામાં હાજરી આપીને મૃતકના પત્ની અને પરિવારજનોને સાંત્વના આપી હતી. ઘટના અંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું હતું કે તમામ સમાજે ઘટનાને વખોડી તે હકારાત્મક પગલુ છે, પણ મૃતદેહનો સ્વીકાર કરવાની ના ન પાડીયે ,ત્યાં સુધી સરકારના પેટનું પાણી હલતું નથી. તે અગાઉની ઘટનાઓના પણ અનુભવ છે. જે સારી વાત ન કહેવાય. કચ્છમાં એવી એકતા ઉભી થાય, જેમા તમામ સમાજ એક સાથે થવો જોઇએ. તો આ ઘટના અંગે પ્રશાસને, પોલીસે જે વચનો આપ્યા છે, તે પુર્તી થાય તે આવશ્યક છે, જો તેમ નહી થાય તો આંદોલન ચાલુ જ રહેશે. રાજકીય લોકોની સંડોવણી પોલીસ તપાસનો વિષય હોવાનું જણાવીને પ્રાથમિક રુપે પોલીટીકલ લોકોની સંડોવણી હોવાનું જણાતું હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ગાંધીધામના ઓસ્લો ગોલાઈ પર બહોળા જનસમુહે આપી અંજલી
ધારાશાસ્ત્રી દેવજીભાઈની અંતિમ યાત્રા રાપરથી નલિયા જવા નિકળી હતી. જે ગાંધીધામ પહોંચતા ઓસ્લો સર્કલ પાસે બહોળો જનસમૂહ એકત્ર થઈ ગયો હતો અને વકીલને શ્રદ્ધા સુમન અર્પીત કર્યા હતા. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસે બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો.

સુત્રધારને મદદ કરનારા મુંબઈના વધુ 1 આરોપીની કરાઇ અટક
મુખ્ય આરોપી ભરત રાવલ મુંબઈ નાશી ગયો હોવાની જાણ થતા સ્થાનિક પોલીસે મુંબઈ પોલીસને આ અંગે જાણ કરી હતી અને અને સંયુક્ત કાર્યવાહી કરી મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. તો આ સીવાય મહેશ ભોજાભાઈ પટેલ (રહે. મુંબઈ) અને રાજેશ ઉર્ફે વિરમ પટેલ (રહે. મુંબઈ) ને પણ ઝડપી પાડ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. અહિ નોંધવુ રહ્યું કે અગાઉ ફરિયાદમાં દર્શાવેલા 7 આરોપીઓની અટક બાદ પણ બે આરોપીઓની અટક બાકી રહી હતી. જેની પણ અટકાયત ગત રાત્રે કરી લેવાઈ હતી.

મુખ્ય આરોપી સાથે પોલીસે વકીલ હત્યાની ઘટનાનું કર્યું રિક્રીએશન
રાપરમાં થયેલી એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની હત્યામાં ઝડપાયેલા મુખ્ય આરોપી ભરત રાવલને મંગળવારના સાંજે ચુસ્ત પોલીસ અને એસઆરપીના બંદોબસ્ત વચ્ચે ઘટનાસ્થળે લઈ અવાયો હતો અને દેવજીભાઈની ઓફીસ બહાર અને અંદર ઘટનાનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું. આરોપી જ્યાં જ્યાં ફર્યો હતો, કેવી રીતે તે સામખીયાળી અહી થી પહોંચ્યો તે ઘટના રિપીટ કરાઈ હતી. લોખંડી સુરક્ષા વચ્ચે આરોપીને મુખ્ય ચોકમાં લઈ અવાતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. એકાદ કલાક સુધી ચાલેલી આ કાર્યવાહી સાથે પંચનામા સહિતની કાર્યવાહી કરાઈ હતી.

અંજારના વિવિધ વિસ્તારોમાં દલિત સમાજ દ્વારા ફુલો વડે અપાઇ શ્રદ્ધાંજલિ
પાંચ દિવસ પહેલા રાપરમાં ધોળા દિવસે વકીલ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા કરી દેવામાં આવી હતી. જે સંદર્ભે દેવજીભાઈના પત્ની દ્વારા 9 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાબતે આરોપીઓની ધરપકડ ન થતા પરિવાર દ્વારા તેમનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો ન હતો. પરંતુ હત્યાના 5 દિવસ બાદ મંગળવારે તમામ આરોપીઓની ધરપકડ થઈ જતા પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો. જે સંદર્ભે તેમના મૃતદેહને અંતિમ ક્રિયા માટે રાપરથી નલિયા ખાતે લઈ જવામાં આવનાર હોવાથી અંજાર ખાતે દલિત સમાજના લોકો દ્વારા દેવજીભાઈના મૃતદેહને ફૂલો તેમજ હાર પહેરાવી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જે સંદર્ભે દલિત સમાજ દ્વારા ચિત્રકૂટ, વિડી ચાર રસ્તા, યોગેશ્વર ચોકડી, કળશ સર્કલ વગેરે જગ્યાઓ પર ફૂલો વડે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

‘દેવજીભાઈ અમર રહો’ ના નારાઓ વચ્ચે સામખીયાળીમાં પુષ્પાંજલિ
રાપરથી નિકળેલી દેવજીભાઈની અંતિમયાત્રાને ચિત્રોડ, સામખિયાળી સહિતના વિસ્તારોમાં પહોંચતાં લોકોએ પુષ્પાંજલી અર્પીને ‘જય ભીમ, દેવજીભાઈ અમર રહો’ ના નારા લગાવ્યા હતા. લોકો મોટી સંખ્યામાં રોડની બન્ને તરફ જોવા મળ્યા હતા.


Download Our B K News Today App



Related News