સાંજે 7 વાગ્યે બંધ થતી જેલમાં 6 લોકો બહારથી આવ્યા અને રાત્રે 10 વાગ્યે 5 કેદી સાથે ભોજન કરતા’તા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-01 11:42:45
  • Views : 443
  • Modified Date : 2020-10-01 11:42:45

   ગોંડલ સબજેલમાં ચાલતી લાલિયાવાડીનો વરવો કિસ્સો મંગળવારે રાત્રે પ્રકાશમાં આવ્યો હતો, રાજ્યના જેલ વડાની ટીમે રાત્રીના 10 વાગ્યે દરોડો પાડતા જેલના પાંચ કેદીઓ અને બહારથી આવેલા છ લોકોમાં નાસભાગ મચી ગઇ હતી, જેલના કેદીઓની તલાશી લેતા તેની પાસેથી પાંચ મોબાઇલ અને 15 હજારની રોકડ મળી આવી હતી, જ્યારે બહારથી આવેલા છ શખ્સ નાસી ગયા હતા. રાત્રીના જેલ હવાલદારે ગેરકાયદે જેલનો ગેટ ખોલી બહારથી લોકોને અંદર આવવા દીધા હતા અને ચેકિંગ આવતા તમામ લોકોને ભગાવી પણ દીધા હતા, આ મામલે ફરિયાદ નોંધાતા જેલના અધિકારીઓ સુધી આગામી દિવસોમાં કડક કાર્યવાહીનાં એંધાણ વર્તાઇ રહ્યા છે.

રાજ્યના જેલ વડાની સ્ક્વોડમાં ફરજ બજાવતાં જેલર દેવશીભાઇ કરંગિયા સહિતની ટીમ મંગળવારે રાત્રે 10 વાગ્યે ગોંડલ સબજેલમાં પહોંચી હતી, જેલ ગેટ પરના અમલદાર લાખાભાઇ કોડિયાતરે ગેટ ખોલતાં જ ચેકિંગ ટીમ જેલની અંદર પ્રવેશી હતી, ચેકિંગ ટીમને જોતાં જ ટોળે વળીને બેઠેલા 11 શખ્સમાં દોડધામ મચી ગઇ હતી. ચેકિંગ ટીમે હત્યા કેસમાં જેલમાં રહેલા રાજેન્દ્ર ઉર્ફે રાજેશ ઉર્ફે રાજુ શેખવા, દિવ્યરાજસિંહ જાડેજા, નિખીલ રમેશ દોંગા અને અમિત જયંતી પડારિયા નામના કેદીઓને ઝડપી લીધા હતા, રાજુ શેખવા પાસેથી ચેકિંગ સ્ક્વોડને બે મોબાઇલ અને એક પાવર બેંક મળી આવ્યા હતા, જ્યારે ભાગી ગયેલા શખ્સોએ પોતાના કબજામાંથી વસ્તુ હાથ આવે નહીં તે માટે જેલમાં પર્સ અને મોબાઇલના ઘા કર્યા હતા, જેમાંથી ચેકિંગ ટીમે વધુ ત્રણ મોબાઇલ અને પર્સમાંથી રોકડા રૂ.15 હજાર તેમજ લાઇસન્સ અને આધારકાર્ડ જપ્ત કર્યા હતા.

આ અંગે જેલર દેવશીભાઇ કરંગિયાએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં 11 શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત પાંચ આરોપીઓ ઉપરાંત નાસી છૂટેલા જયેશ મહેશ દવે, જિતેન્દ્ર વનરાજ, અજય રાયધન બોરીચા, નિકુલ તુલસી દોંગા, જિગ્નેશ ભુવા અને કલ્પેશ ઠુમ્મરની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જેલના નિયમ મુજબ સાંજે 7 વાગ્યે જેલનો મુખ્ય ગેટ બંધ થઇ ગયો હતો પરંતુ રાત્રીના ગેરકાયદે જેલ હવાલદારે ગેટ ખોલતાં બહારથી છ શખ્સ જેલમાં આવ્યા હતા અને જેલમાં રહેલા રાજુ શેખવા અને નિખીલ દોંગા સહિતના પાંચ કેદીઓ ટોળે વળીને જમવા બેઠા હતા. દરોડો પડ્યો ત્યારે જમવાનું છોડીને તમામ લોકોમાં નાસભાગ મચી ગઇ હતી, એટલું જ નહીં ચેકિંગ ટીમ જેલમાં આવ્યા બાદ જેલનો ગેટ બંધ કરી દેવાયો હતો પરંતુ બહારથી આવેલા લોકોને ભગાડવા માટે હવાલદારે ફરીથી ગેટ ખોલીને તમામ છ લોકોને ભગાડી દીધા હતા.

જેલના સીસીટીવી કેમેરા ચોંકાવનારા ખુલાસા કરશે
જેલના મુખ્ય ગેટ સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, રાત્રીના છ લોકો માટે જેલનો ગેટ ખોલવામાં આવ્યો હતો એટલું જ નહીં ગેરકાયદે અંદર પ્રવેશવા પણ દીધા હતા અને તમામ 11 લોકોએ ભોજનની મહેફિલ શરૂ કરી હતી, રાજ્યના જેલ વડાની ટીમે ગોંડલ સબજેલમાં ચાલતી લોલમલોલનો પર્દાફાશ કરતાં ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા છે. જેલ વડા દ્વારા આ અંગે જેલના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવે તો જેલના ઉચ્ચ અધિકારી સહિતનાઓની મિલિભગત બહાર આવી શકે.

5 કેદી કોન્ફરન્સ રૂમમાં મિત્રો સાથે બેઠા હતા
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ચેકિંગ સ્કવોડ જેલમાં પહોંચી ત્યારે રાજુ શેખવા, દિવ્યરાજસિંહ જાડેજા, જયેશ ગોહેલ, નિખીલ દોંગા અને અમિત પડારિયા જેલમાં બેરેકને બદલે જેલના વીડિયો કોન્ફરન્સના રૂમ પાસે બેઠા હતા, જેમાંથી એક કેદી તો મોબાઇલ પર વાતચીત કરતો હતો.

Download Our B K News Today App



Related News